શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતા છે. કલમ 370 નાબૂદી બાદ પ્રથમ વખત રાજ્યમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારે એક મહત્વની જાહેરાત કરી છે.
આયોગે કાશ્મીરના ન હોય તેવા લોકોને પણ મતદાનનો અધિકાર આપ્યો છે. તેમાં જમ્મુ કાશ્મીરમં વસતા દેશના અન્ય રાજ્યોના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મજૂરો કે અન્ય લોકોને મતદાનનો લાભ મળશે. તેઓ મતદાર યાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે અને જમ્મુ કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન પણ કરી શકશે.
હિરદેશ કુમારના કહેવા પ્રમાણે, અન્ય રાજ્યોના પરંતુ જમ્મુ કાશ્મીરમાં તૈનાત હોય તેવા સશસ્ત્ર બળના જવાનો પણ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકશે. કોઈ વ્યક્તિ કેટલા સમયથી જમ્મુ કાશ્મીરમાં રહે છે તે અગત્યનું નહીં રહે. ભાડેથી રહેતા લોકો પણ મતદાન કરી શકશે.
મતદારોની સંખ્યામાં 25 લાખ જેટલો વધારો થશે
તેમના કહેવા પ્રમાણે, મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટેની એકમાત્ર શરત એ છે કે, જે-તે વ્યક્તિએ પોતાના મૂળ રાજ્યમાં પોતાની મતદાર નોંધણી રદ કરાવી હોય. આયોગના આ નિર્ણયના કારણે મતદાર યાદીમાં આશરે 20-25 લાખ નવા મતદારો સામેલ થશે. જોકે જમ્મુ કાશ્મીરના અનેક નેતાઓએ ચૂંટણી કમિશનના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે આ પગલું ભાજપને ફાયદો કરાવશે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન: કાબુલ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20 લોકોના મૃત્યું, 40થી વધુ ઈજાગ્રસ્ત
મેહબૂબા મુફ્તીએ સાધ્યું કેન્દ્ર પર નિશાન
પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ચૂંટણી પંચના આ નિર્ણય મામલે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘જમ્મુ કાશ્મીરમાં પહેલા ચૂંટણી સ્થગિત કરવાનો ભારત સરકારનો નિર્ણય અને હવે બિનસ્થાનિક લોકોને મતદાન માટેની મંજૂરી આપવી તે ચૂંટણીના પરિણામોને ભાજપના પક્ષમાં પ્રભાવિત કરવા માટેના સંકેત છે. મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને શક્તિહીન કરવા માટે જમ્મુ કાશ્મીર પર બળજબરીથી શાસન ચાલુ રાખવાનો છે.’