દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, ધજા અને બુકિંગ સિસ્ટમમાં થયા મોટા ફેરફાર
દ્વારકા જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. દ્વારકા જગત મંદિરમાં જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ્સું મહત્વ છે.જેથી દુર દુરથી ભક્તો દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવા માટે આવતા હોય છે. ત્યારે આ વખતે દ્વારકાધીશ મંદિર દ્વારા ધજા અને બુકિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરનું સંચાલન સંભાળતી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠકમાં જગત મંદિરમાં પાંચને બદલે છ ધ્વજા ચડાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ હવે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ધજા અને બુકિંગ સિસ્ટમમાં થયા મોટા ફેરફાર
આ મંદિરમાં અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે દ્વારકાના જગત મંદિરમાં ધજા ચડાવવાના નિયમોમાં અનેક ફેરફાર કરવામા આવ્યા હતા. તાજેતરમાં જ દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠકમાં પ્રતિદિન પાંચને બદલે છ ધ્વજ ફરકાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો શા માટે લેવાયો આ નિર્ણય અને શુ થશે ફાયદો ?
વાવાઝોડા બાદ ધજા ચઢાવવાનું બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જગત મંદિરમાં પ્રતિદિન પાંચને બદલે છ ધ્વજ ફરકાવવાના નિયમથી વેઇટિંગ ઘટશે તેવી ધારણા છે.આમ હવે છ ધ્વજ લગાવવાથી લોકોની રાહનો ટૂંક સમયમાં અંત આવશે.
2024 સુધી ધ્વજારોહણ માટે બુકિંગ
ખંભાળીયામાં કલેકટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોકકુમાર શર્માની અધ્યક્ષતામાં તથા સમિતિના ઉપાધ્યક્ષ તેમજ રીલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણીની સંભવતઃ ઉપસ્થિતિમાં બેઠક થઈ હતી. જેમાં મંદિર શિખર પર છઠ્ઠી ધ્વજાના કાયમી ધોરણે આરોહણ વિશે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં એવી રજૂઆત કરવામ આવી હતી કે ગુગળી જ્ઞાતિ પાસે વર્ષ 2024 સુધી ધ્વજાજીનું બુકિંગ ઘણાં વર્ષો પહેલાં હાઉસફુલ થયુ છે. જગતમંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાની માંગ પણ ઉત્તરોત્તર વધતી જાય છે.જેથી દ્વારકાધીશ મંદિરના શિખરે 5 ને બદલે 6 ધજા ચડાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
ધ્વજારોહણની વધુ ફાળવણી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરાશે
દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા અર્પણ કરવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા ભક્તો ધરે બેઠા દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ માટે બુકિંગ કરાવી શકશે. ઓનલાઈન સિસ્ટમથી દેશ-વિદેશના ભક્તોને સુવિધા મળશે તેવું મંદિર પ્રશાનનું કહેવું છે. આ સમગ્ર સિસ્ટમ પારદર્શક બનશે. આમ ઓનલાઈન પોર્ટલ દ્વારા ધ્વજારોહણની વધુ ફાળવણી કરવામા આવશે.
જાણો ક્યારે લોન્ચ થશે આ પોર્ટલ
મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ, આ પોર્ટલ 1 નવેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. અને ત્યાં સુધી જૂની સિસ્ટમ મુજબ ધ્વજારોહણની ફાળવણી કરાશે.
ધ્વજની ફાળવણી માસિક ડ્રો દ્વારા કરવામાં આવશે
મહત્વનું છે કે દ્વારકાધીશ મંદિરમાં હવે ધ્વજ ફરકાવનાર લોકોના નામ ડ્રો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ માટે ગુગલી બ્રાહ્મણ સમાજ દ્વારા દર મહિનાની 20 તારીખે ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ધ્વજની ફાળવણી માસિક ડ્રો દ્વારા કરવામાં આવશે. અને જ્યાં સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. અને પોર્ટલ શરૂ થયા બાદ તમામ ધ્વજની ફાળવણી પોર્ટલ દ્વારા કરાશે તેવું મંદિર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારો થશે જળબંબાકાર