અમદાવાદનો આ રોડ કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરૂ કરાયો
- ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર
- ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ
- ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે બે નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા
અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ 9 નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરૂ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે.
ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે બે નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા
ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે બે નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. જ્યાંથી સીધા આશ્રમ જવા માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે.
ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે
સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.
આ પણ વાંચો: ગુજરાત: પોલીસ દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને મેમો નહિ પણ આ વસ્તુ આપશે