અમદાવાદના વેજલપુર વિસ્તારની એક સોસાયટીના રીડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વેજલપુર વિસ્તારમાં આવેલી 52 વર્ષ જૂની જર્જરિત ઈમારતોમાં આવેલી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો કર્યો છે.
75%થી વધુ ફ્લેટ માલિકોએ રીડેવલપમેન્ટ માટે સંમતિ, માત્ર 4 લોકોને જ હતો વાંધો
વેજલપુરમાં આવેલી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 52 વર્ષ જૂની છે. 78 ફલેટ ધરાવતા 11 બ્લોક હતા. તે જર્જરિત થઇ જતા રિડેવલપમેન્ટમાં આપવાનું નક્કી કર્યુ હતુ. સોસાયટીના 75%થી વધુ ફ્લેટ માલિકોએ રીડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નવા બાંધકામ માટે વિકાસ પરવાનગી આપી હતી. જો કે 78 ફ્લેટ માલિકોમાંથી 4 ફેલ્ટ માલિકોએ વાંધો ઉઠાવતા આ કેસ હાઇકોર્ટમાં ગયો હતો.
હાઈકોર્ટે બહુમતીનો મત સ્વીકાર્યો
હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમના હાલના મકાન જર્જરિત થઇ ગયા છે રિડેવલપમેન્ટ બાદ તેમને મોટા ફલેટ મળવાના હોવાથી તેમને કોઇ સમસ્યા નથી. 52 વર્ષ જૂના ફલેટ હોવાથી તેની સ્થિતિ જોખમી હતી જેથી કોર્પોરેશને ફલેટધારકોને મરામત કરાવવા નોટિસ ફટકારી હતી. પરંતુ ફલેટ મરામત કરવા માટે ખર્ચો ઘણો થતો હોવાથી ફલેટ ધારકોએ રિડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યુ હતંુ. કોર્પોરેશન પાસે તેની મંજૂરી માગતા મંજૂરી મળી ગઇ હતી.
હાઈકોર્ટે પુનર્વિકાસ પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા ચાર પરિવારોને તેમના ફ્લેટ ખાલી કરવા અને આઠ અઠવાડિયાના સમયમાં પુનર્વિકાસ માટે તેમનો કબજો સોંપવાનો આદેશ આપ્યો છે.હાઈકોર્ટે બહુમતીનો મત સ્વીકાર્યો કે જો રીડેવલપમેન્ટ ની દરખાસ્ત સ્વીકારવામાં આવશે, તો તમામ સભ્યોને તેમના પોતાના ખિસ્સામાંથી કોઈપણ રકમ ખર્ચ્યા વિના ત્રણ વર્ષમાં એક મોટું મકાન મળશે. અસંમત સભ્યો ઓછા હોવાથી રીડેવલપમેન્ટ સ્ટેન્ડ માટે કલમ 41A ની જરૂરિયાત પૂરી થઈ. તદુપરાંત AMCની વિકાસ પરવાનગી પણ સ્થાને છે.
4 ફ્લેટ માલિકોના વાંધા હાઇકોર્ટે ફગાવ્યાં
આ કેસમાં હાઇકોર્ટે 4 ફ્લેટ માલિકો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા અને સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો કે, “જો પ્રક્રિયામાં કોઈ અડચણ હશે તો તેના વિરૂદ્ધ ઓથોરિટી દ્વારા પગલાં લેવાના રહેશે. જનરલ બોડીના નિર્ણય સામે કોઈ પડકારની ગેરહાજરીમાં, તેથી વિકાસ પરવાનગી પણ, ખાનગી ઉત્તરદાતાઓ રીડેવલપમેન્ટ સામે વાંધો ધરાવતા ચાર પરિવારોની દલીલ ખોટી ગણાશે.