સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને પડકારતી અરજીઓ પર મહત્ત્વની સુનાવણી
- ચૂંટણી બોન્ડએ રાજકીય પક્ષો માટે દાન મેળવવા માટેનું એક માધ્યમ
- નાગરિકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો અધિકાર નથી : કેન્દ્ર સરકાર
- ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા અને કયા પક્ષને મળ્યા તે ગુપ્ત રહેવું જોઈએ : કેન્દ્ર
દિલ્હી, 31 ઓકટોબર : ચૂંટણી બોન્ડ સ્કીમ વિરુદ્ધની અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ અરજીઓની સુનાવણી કરશે. ચૂંટણી બોન્ડ એ એક માધ્યમ છે જેના દ્વારા રાજકીય પક્ષોને દાન મળે છે. સોમવારે કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે, “નાગરિકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો અધિકાર નથી. ઉદાહરણ તરીકે, કેન્દ્રની દલીલ છે કે, “ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા અને કયા પક્ષને મળ્યા તે ગુપ્ત રહેવું જોઈએ.” આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી.
રાજકીય પક્ષોની આવકનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડમાંથી આવે છે. પક્ષો દ્વારા મળેલા દાનમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે 2 જાન્યુઆરી 2018ના રોજ સરકાર દ્વારા ચૂંટણી બોન્ડ યોજનાને સૂચિત કરવામાં આવી હતી. તે રોકડ દાનના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા દાનને અજાણ્યા સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે, એટલે કે દાન આપનારા દાતાઓની વિગતો જાહેરમાં ઉપલબ્ધ નથી.
ચૂંટણી બોન્ડ દ્વારા પાર્ટીઓને 12,000 કરોડ ચૂકવાયા હોવાનો દાવો
અહેવાલો અનુસાર, માર્ચમાં એક પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને અત્યાર સુધીમાં કુલ 12,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને તેમાંનો બે તૃતીયાંશ ભાગ મોટા રાજકીય પક્ષને ફાળે ગયો છે. જેથી ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓ દ્વારા પડકારવામાં આવી છે. જેની આજે સુપ્રીમ કોર્ટમાં આવી ચાર અરજીઓની પર સુનાવણી થશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ કેસની સુનાવણી શરૂ કરશે. સુનાવણીમાં કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ની અરજીઓ પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટમાં અરજદારે 2017માં પ્રથમ અરજી કરી હતી દાખલ
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર), એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) જે ચૂંટણી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે, તેણે 2017માં આ મામલે પ્રથમ પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં ભ્રષ્ટાચાર અને પારદર્શિતાના અભાવનો આરોપ મૂક્યો હતો અને આ મુદ્દા પર વચગાળાના ઉકેલની માંગ કરી હતી. ત્યારબાદ એક અરજી ચૂંટણી બોન્ડનું વેચાણ ફરી ન ખોલવું જોઈએ તેવી માંગ સાથે દાખલ કરવામાં આવી હતી. 2020માં, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના પર વચગાળાનો સ્ટે. મૂકવાનો ઇનકાર કર્યો હતો અને એનજીઓ દ્વારા દાખલ કરાયેલી વચગાળાની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. બીજી તરફ, સુનાવણી પહેલા એટર્ની જનરલ આર. વેંકટરામાણીએ સુપ્રીમ કોર્ટમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “નાગરિકોને બંધારણની કલમ 19(1)(A) હેઠળ નાણાંના સ્ત્રોત અંગે માહિતી મેળવવાનો અધિકાર નથી.”
આ પણ જાણો :મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી