સપ્ટેમ્બર મહિનામાં આવી રહ્યા છે મહત્ત્વના તહેવારોઃ આ રહ્યુ લિસ્ટ
- સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કજલી ત્રીજથી થશે
- હરતાલિકા ત્રીજ પણ સપ્ટેમ્બર મહિનામાં જ છે
- પિતૃપક્ષ પણ મહિનાના અંતમાં શરૂ થશે
સપ્ટેમ્બર મહિનો આ વખતે જીવંતિકા માંના ત્રીજા શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. બીજા દિવસે એટલે કે 2 સપ્ટેમ્બરે કજલી ત્રીજ છે અને તે પછી જન્માષ્ટમી જેવો મોટો તહેવાર છે. હરતાલિકા ત્રીજ પણ સપ્ટેમ્બર મહિનામાં જ છે અને પિતૃપક્ષ પણ મહિનાના અંતમાં શરૂ થશે. ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનાના બધા ઉપવાસ, તહેવારો અને તેનું મહત્વ.
કજલી ત્રીજ 2 સપ્ટેમ્બર, શનિવાર
મહિનાની શરૂઆત કજલી ત્રીજથી થશે અને આ વર્ષે કજલી તીજ 2 સપ્ટેમ્બરે મનાવાશે. શ્રાવણ મહિનાની ત્રીજ 1લી સપ્ટેમ્બરની રાત્રે 11.50 કલાકે શરૂ થશે અને 2જી સપ્ટેમ્બરની રાત્રે 8.49 કલાકે પૂર્ણ થશે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. માન્યતા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું.
બોળ ચોથ 3જી સપ્ટેમ્બર, રવિવાર
દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ બોળ ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે આ શુભ તારીખ 3જી સપ્ટેમ્બર છે. આ તિથિ ભગવાન ગણેશના જન્મ સાથે સંબંધિત છે, તેથી આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
નાગપંચમી 4 સપ્ટેમબર, સોમવાર
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમના દિવસને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા થાય છે અને આ દિવસે કુલેર બનાવીને નાગદેવતાને ધરાવીને ખાવાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે ખાજા પણ ખાવાનું મહત્ત્વ છે. ઘરમાં કોઇ પણ એક વ્યક્તિ, જે વડીલ હોય તે નાગપંચમીનું વ્રત કરે છે. આ વ્રત કરનારને એ દિવસે ઠંડુ ખાવાનું હોય છે.
શીતળા સાતમ, 6 સપ્ટેમ્બર, બુધવાર
શીતળા સાતમનું વ્રત શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની સાતમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને કથા કરવાની હોય છે. આ દિવસે પણ ઘણા ઘરોમાં ઠંડુ ખાવાની પ્રથા હોય છે.
જન્માષ્ટમી, 7 સપ્ટેમ્બર, ગુરુવાર
કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. તેને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવ સમુદાય હંમેશા ભગવાન કૃષ્ણના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરે છે.
નંદ મહોત્સવ, 8 સપ્ટેમ્બર, શુક્રવાર
કૃષ્ણ જન્મની ખુશીને મનાવવા માટે બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાય છે. આ દિવસને પારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ મંદિરોમાં અને કેટલાય ઘરોમાં આ દિવસે કૃષ્ણના બાળ સ્વરૂપને પારણાંમાં ઝુલાવવામાં આવે છે અને ભાતભાતના ભોજન પીરસાય છે.
અજા એકાદશી, 10 સપ્ટેમ્બર, રવિવાર
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આઠમનો ઉપવાસ કરે તે આ અગિયારસનો પણ ઉપવાસ કરે તો તેને અનેક ગણુ ફળ મળે છે.
વત્સ દ્વાદશી, 11 સપ્ટેમ્બર, સોમવાર
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશીને વત્સ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વત્સ દ્વાદશી 11 સપ્ટેમ્બરે છે. આ દિવસે મહિલાઓ પુત્રની ખુશી માટે વ્રત રાખે છે અને સંતાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
પર્યુષણ મહાપર્વનો પ્રારંભ, 12 સપ્ટેમ્બર, બુધવાર
જૈન બંધુઓના મહાપર્વ ગણાતા પર્યુષણ પર્વનો પ્રારંભ શ્રાવણ વદ તેરસથી થાય છે. આ દિવસે લાખો જૈન ભાઇ બહેનો પર્યુષણના ઉપવાસ-તપનો પ્રારંભ કરે છે.
દર્શ અમાસ, 14 સપ્ટેમ્બર, ગુરુવાર
શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ 14 સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ છે. આ દિવસે જપ-તપ અને દાન-પુણ્ય કરવાનું ખુબ મહત્ત્વ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે આ દિવસે પીપળે દીવો કરવો જોઇએ અને પીપળે જળ ચઢાવવુ જોઇએ.
સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
હરિતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજ, 18 સપ્ટેમ્બર, સોમવાર
વિવાહિત સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. ભાદરવા મહિનાના સુદ પક્ષમાં હરિતાલિકા ત્રીજ ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે. આ દિવસ કેવડા ત્રીજ પણ છે. સામવેદી બ્રાહ્મણો આજના દિવસે જનોઇ બદલીને રક્ષાબંધન મનાવે છે.
ગણેશ ચતુર્થી, સંવત્સરી, 19 સપ્ટેમ્બર, મંગળવાર
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ચંદ્રના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે. આ ચતુર્થીને કલંક ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ્રીયન લોકો ઘામધૂમથી ઉજવે છે અને ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે સંવત્સરી પણ છે. જૈન ભાઇબહેનો એકબીજાને મિચ્છામિ દુક્કડમ પાઠવે છે.
ઋષિ પંચમી, 20 સપ્ટેમ્બર, બુધવાર
ઋષિ પંચમી હિંદુ ધર્મમાં સાત ઋષિઓને સમર્પિત છે. આ વ્રત ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે સપ્તઋષિઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાનની સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. આ વર્ષે આ વ્રત 20 સપ્ટેમ્બરે છે.
રાધાષ્ટમી 23 સપ્ટેમ્બર, શનિવાર
માન્યતાઓ અનુસાર, રાધાજીનો જન્મ ભગવાન કૃષ્ણના જન્મના બરાબર 15 દિવસ પછી થયો હતો. ભાદ્રપદ શુક્લ અષ્ટમીના દિવસે મહાલક્ષ્મી વ્રત પણ રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી ધન અને ધાન્યની કમી નથી રહેતી. તેમજ મહિલાઓ પોતાના બાળકો અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખી શકે છે. આ વર્ષે આ વ્રત 23 સપ્ટેમ્બરે છે.
અનંત ચતુર્દશી , 28 સપ્ટેમ્બર, ગુરુવાર
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીનું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 28 સપ્ટેમ્બરે છે. આ વ્રત કરવાથી વ્યક્તિને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બંનેની એકસાથે પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશોત્સવ પણ પુર્ણ થાય છે અને ગણેશ વિસર્જન કરવામાં આવે છે.
પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષ શરૂ, 29 સપ્ટેમ્બર, શુક્રવાર
હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ લગભગ 16 દિવસનો હોય છે. પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. પિતૃપક્ષમાં પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં આપણા પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન નિમિત્તે AMTSની બહેનોને ભેટઃ આ વર્ષે પણ ફ્રીમાં મુસાફરી