શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે હવેથી શાળાઓમાં કોઇપણ ખાનગી કંપનીઓની પરીક્ષા લઇ શકાશે નહી. જનરલ નોલેજના નામે સરકારી તેમજ ખાનગી શાળાઓમાં પરીક્ષા લીધા બાદ ખાનગી કંપનીઓ કે એજન્સીઓ દ્વારા સાહિત્યની ખરીદી માટે વાલીઓને દબાણ કરાતું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.
સાહિત્ય ખરીદવા કરાતું હતું દબાણ
ખાનગી કંપનીઓ અને એજન્સીઓ બાળકોના જનરલ નોલેજમાં વધારો થવાની વાતો કરીને શાળાઓમાં વિવિધ પ્રકારની પરીક્ષાઓનું આયોજન કરતી હોય છે. અને ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા છાત્રો અને વાલીઓના નામ, સરનામાં, અને મોબાઇલ નંબર જેવી માહીતી એકત્ર કરવામાં આવતા હતી ત્યાર બાદ બાળકો અને વાલીઓને જે તે એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા સાહિત્યની ખરીદી કરવા દબાણ કરવામાં આવતું હોય છે. આ બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ જાણ કરાતા તંત્ર દ્વારા શાળાઓમાં આવી ખાનગી કંપનીઓની પરીક્ષાઓ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ નોલેજના નામે શાળાઓમાં પરીક્ષા લઇને પુસ્તકો ખરિદવા માટે કંપનીઓ દબાણ કરતી હોવાની ફરિયાદ કેટલાક વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. તેથી આ અંગે મળેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા આવો આદેશ આપવામા આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને મળશે રાહત
ખાનગી કંપની અને એજન્સીઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સામે વાલીઓએ ફરિયાદ કરતા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાઓમાં ખાનગી કંપનીઓની પરિક્ષા ન લેવાની સૂચના આપવામાં આવી છે. કંપનીઓ તેમના સાહિત્યનું વેચાણ કરવા વાલીઓ અને વિદ્યાર્થીઓને દબાણ કરતી હતી. જેથી આ બાબતો પર શિક્ષણ વિભાગનું ધ્યાન દોરાતા આવી પરીક્ષાઓનું શાળાઓમાં આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. જેથી હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળશે.
આ પણ વાંચો:આજથી શરૂ થશે દેશમાં છઠ્ઠી ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, PM મોદીએ નાગપુરથી કરાવ્યું પ્રસ્થાન