નવી દિલ્હી, 10 માર્ચ : ભારતે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) ના ચાર સભ્ય દેશો સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ચાર દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનો સમાવેશ થાય છે. જેના પગલે હવે દેશમાં લોકોને ઓછી કિંમતે સ્વિસ ઘડિયાળો, બિસ્કિટ અને ચોકલેટ જેવી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કરાર અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે X મારફતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, ભારત અને યુરોપિયન દેશોએ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિવિધ દેશો વચ્ચે આ કરારોને લાગુ કરવાની પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગશે. અમે સ્વિસ ઘડિયાળો અને ચોકલેટ પર ડ્યુટી કન્સેશન ઓફર કરી રહ્યા છીએ. મહત્વનું છે કે, સ્વિસ ઘડિયાળની કેટલીક પ્રખ્યાત બ્રાન્ડ્સ રોલેક્સ, ઓમેગા અને કાર્ટિયર છે.
આ ઉપરાંત નેસ્લે પણ સ્વિસ બ્રાન્ડ છે. તે ભારતીય MMCG ઉદ્યોગમાં એક મુખ્ય કંપની છે અને ભારતમાં ચોકલેટનું ઉત્પાદન કરે છે. તે ભારતીય MMCG સેગમેન્ટમાં ત્રીજી સૌથી મોટી લિસ્ટેડ એન્ટિટી છે. ઇકોનોમિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ભારતે કરાર હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડથી આયાત કરાયેલા ઘણા ઉત્પાદનો પર ડ્યૂટી કન્સેશનની મંજૂરી આપી છે. વધુમાં જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં નીચા ભાવે ઉચ્ચ ગુણવત્તાની સ્વિસ ઉત્પાદનોની ઍક્સેસ મેળવશે. દેશે 7-10 વર્ષમાં ઘણા સ્વિસ સામાન પર ડ્યૂટી હટાવવાનો નિર્ણય લીધો છે.
સ્વિસ મંત્રીએ કરારની પ્રશંસા કરી
દરમિયાન સ્વિસ મંત્રી હેલેન બડલિગર આર્ટિડાએ ભારત અને EFT વચ્ચેના $100 બિલિયનના મુક્ત વેપાર કરારની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાંથી ગુણવત્તાયુક્ત માલને સ્વિટ્ઝર્લેન્ડમાં ખૂબ જ ખુલ્લું બજાર મળશે અને આ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર ભારતીય યુવાનો માટે રોજગારીની તકો ખોલશે.
વધુમાં તેણે કહ્યું, આ અમારા માટે ખુશીની ક્ષણ છે. અમે 16 વર્ષથી વધુ સમયથી આ કરાર પર વાટાઘાટો કરી રહ્યા છીએ. મને આનંદ છે કે છેલ્લા આઠ મહિનામાં અમે આને આગળ વધારવામાં સફળ થયા છીએ. ભારતીય બજારના કદને કારણે આ અમારા માટે મહત્વપૂર્ણ છે. પરંતુ અમે માત્ર ભારતીય બજારના કદ પર દાવ લગાવતા નથી, પરંતુ અમે ભારતની સફળતાની વાર્તામાં વિશ્વાસ કરીએ છીએ.