વધારા સાથેની નવી જંત્રીની અમલવારી થવામાં વિલંબ થશે! તબક્કાવાર લાગુ કરાશે

- રાજયભરમાંથી મંગાવાયેલા વાંધા સૂચનો સાથેનો સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીના ટેબલ પર
- એક સાથે નહીં પણ મહારાષ્ટ્ર પેટર્નથી તબકકાવાર વાર્ષિક ધોરણે 20 – 25% નો વધારો અમલી બનાવાશે
- આગામી થોડા માસમાં સર્વગ્રાહી વિચારણા કરવામાં આવશે
ગાંધીનગર, 23 માર્ચ : ગુજરાતમાં લગભગ એક દશકા બાદ જંત્રી દર વધારવા માટે છેલ્લા દોઢ વર્ષથી સરકારે શરૂ થયેલી કવાયતમાં હજુ વધુ સમય લાગી શકે છે. જંત્રીમાં કરાયેલા ભારેખમ વધારાના લીધે આ અમલવારી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ તા.1 એપ્રિલ 2025 એ નવા જંત્રીદર લાગુ કરવા માટેની એક તારીખ નિશ્ચિત હતી.
અગાઉ જે રીતે જંત્રીદરમાં 100%નો વધારો કરાયા બાદ તેનો વ્યાપક વિરોધ થયો પછી સરકારે જંત્રીદર વધારા અંગે વાંધા સૂચનો માંગ્યા હતા અને જીલ્લા સ્તરે આ અંગે વ્યાપક કવાયત થયા બાદ હવે એક સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચ્યા છે પણ હાલ વિધાનસભા સત્ર વિગેરેની કામગીરી થઈ રહી હોવાથી તા.1 એપ્રિલના બદલે થોડા વિલંબથી નવા જંત્રી દર લાગુ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવા જંત્રીદરમાં પણ ધીમે ધીમે અમલી કરવાની સરકારની વ્યુહરચના છે. સરકાર 3 વર્ષમાં 20-25%ના દરે નવા જંત્રીદર લાગુ કરી શકે છે. મહારાષ્ટ્ર પેટર્ન મુજબ ધીમે ધીમે જંત્રીદર વધારાથી રીયલ એસ્ટેટથી લઈને ઘર ખરીદનારાઓને એક સાથે મોટો બોજો આવે નહી તે નિશ્ચિત કરાશે.
રાજયમાં 40000 જેવા વેલ્યુઝોનના આધારે આ જંત્રી અમલમાં આવશે. અનેક એરીયામાં જંત્રીદરમાં 100% કે તેથી વધુ વધારો થતો હતો તે પણ સરકારે હવે એક સાથે નહી પણ તબકકાવાર લાગુ કરવા માટે વિનંતી કરી છે અને 2011માં જંત્રીદર વધાર્યા બાદ છેક 2023માં સરકારે નવા દર જાહેર કર્યા હતા અને તે અત્યંત ઉંચા નિર્ધારિત થતા જ રાજકીય સહિહતના કારણોથી તેમાં ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવાયો હતો.
વાસ્તવમાં રાજયમાં એફોર્ડેબલ હાઉસીંગ એ ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યુ છે અને જંત્રીદર વધારાથી જમીન મોંઘી થતા હવે સસ્તા આવાસ એ ભૂતકાળનો વિષય બની શકે છે અને રીયલ એસ્ટેટ ક્ષેત્ર જે હાલ મંદી જેવી સ્થિતિના કારણે ધીમી ગતિએ ચાલે છે તેને આ ફટકો પડે તેવી ધારણા છે.
જો કે હાલમાં જમીન-મકાનના ભાવ તો આસમાને પહોંચી ગયા છે પણ સરકાર તેમાં વધુ આગ લગાડે તેવી સ્થિતિ બની શકે તેમ છે અને તેથી જ આગામી થોડા દિવસમાં આ અંગે નિર્ણય લેવાશે. સરકારની સ્ટેમ્પ ડયુટી આવક જે 2024/25માં રૂ.16500 કરોડની થઈ હતી તે હવે 2025/26માં રૂ.19800 કરોડનો અંદાજ મુકાયો છે. એક અંદાજ એવો હતો કે જંત્રીદર વધારાની અસરને ઓછી કરવા સરકાર સ્ટેમ્પડયુટી, રજીસ્ટ્રેશન દર ઘટાડશે પણ બજેટમાં તેવું કંઈ થયું નથી તે પણ વાસ્તવિકતા છે.
આ પણ વાંચો :- IPL 2025 : ઓપનિંગ મેચમાં RCBની 7 વિકેટે જીત, સોલ્ટ અને કોહલીની શાનદાર ફિફ્ટી