15 મે, અમદાવાદ: આ વખતની IPLમાં 250 ઉપરના સ્કોર ઘણી વખત બન્યા છે. આ માટે સારી પીચો, ખરાબ બોલિંગ, હિંમતથી ભરપૂર બેટિંગ સાથે ઈમ્પેક્ટ પ્લેયરનો ન નિયમ પણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ BCCIના સેક્રેટરી જય શાહે મીડિયાને કહ્યું હતું કે જો IPL સાથે સંકળાયેલા લોકો એ મતના હશે કે આ નિયમ જરૂરી નથી તો તેને આવતે વર્ષે રદ્દ કરવામાં આવશે.
પરંતુ જય શાહે આ બાબતે કોઈ સ્પષ્ટ વાત કહી ન હતી. એવામાં બે દિગ્ગજ ખેલાડીઓ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર અને કેપ્ટન તેમજ કોચ રવિ શાસ્ત્રી તેમજ હાલમાં દિલ્હી કેપિટલ્સને કોચિંગ આપી રહેલા ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ નિયમ બાબતે અલગ અલગ મત આપ્યા હતા.
ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ચાલુ રાખવો જોઈએ કે નહીં તે બાબતે રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર બોલતા રવિ શાસ્ત્રીએ આ નિયમનું સમર્થન કર્યું હતું. શાસ્ત્રીનો મત હતો કે આ નિયમને કારણે આ વર્ષે રોમાંચક મેચો જોવા મળી રહી છે. જ્યારે આવો નિયમ લાગુ પાડવામાં આવે છે ત્યારે એવા ઘણા લોકો તમને જોવા મળશે જે એમ કહેશે કે આ નિયમ સારો કેમ નથી.
શાસ્ત્રીએ કહ્યું કે સમય સાથે તમારે બદલાવું જોઈએ. જ્યારે તમે 190-200 રનનો સ્કોર જોતાં હતા ત્યારે પણ એમ જ કહેતા હતા કે અમુક બેટ્સમેનોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. તો પછી આ નિયમમાં શો વાંધો છે? શાસ્ત્રીનું કહેવું હતું કે સમયની સાથે આ નિયમને વધુ સારી રીતે વિકસિત કરવો જરૂરી છે અને આ નિયમને કારણે જ આપણે આ વર્ષે ઘણીબધી રોમાંચક મેચો જોઈ છે.
તો રિકી પોન્ટિંગની દલીલ શાસ્ત્રીની દલીલથી સાવ અલગ હતી. પોન્ટિંગનું કહેવું છે કે જો આ નિયમ હટાવી દેવામાં પણ આવશે તો પણ IPLમાં મોટા મોટા સ્કોર બનતા જ રહેશે. પોન્ટિંગે એમ પણ કહ્યું હતું કે મને એ જાણવું અને જોવું રસપ્રદ લાગે છે કે એક વખત આ નિયમને હટાવી દેવામાં આવે પછી શું IPLમાં મોટા સ્કોર બનવાના બંધ થઇ જવાનાં છે?
ટીમ ઇન્ડિયાના કેપ્ટન ઈમ્પેક્ટ પ્લેયર ન હોવો જોઈએ એવા મતના છે. રોહિત શર્માએ કહ્યું હતું કે આનાથી ઓલરાઉન્ડર્સને અન્યાય થાય છે.