કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

રાજકોટમાં નિર્માણ પામેલ રામવનની અસર : પ્રદ્યુમનપાર્કમાં મુલાકાતીઓ અને આવક બન્ને ઘટ્યા

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક બનાવવામાં આવેલા રામવનનું આ વર્ષે જન્માષ્ટમી તહેવારો પર જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ રામવનમાં વિનામુલ્યે પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવતાં જન્માષ્ટમીના પર્વ પર સહેલાણીઓનો પ્રવાહ રામવન તરફ વધુ જોવા મળ્યો હતો. આ કારણે હરવા ફરવાના સ્થળ તરીકે અત્યાર સુધી હોટસ્પોટ રહેલા પ્રદ્યુમનપાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

68 હજાર મુલાકાતીઓએ લીધી પ્રદ્યુમન પાર્કની મુલાકાત

ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે 20,985 મુલાકાતીઓ ઓછા આવ્યા હતા. આ કારણે આવકમાં પણ સરેરાશ ત્રણ લાખનો ઘટાડો થયો હતો. ગયા વર્ષે 88,985 લોકોએ પ્રદ્યુમનપાર્કની મુલાકાત લીધી હતી અને, રૂ. 20,64,675ની આવક થઇ હતી. આ વર્ષે 68 હજાર મુલકાતીઓ આવ્યા હતા અને રૂ. 17,66,765ની આવક થઇ હતી. આમ ગયા વર્ષે કરોનાની સ્થિતિ વચ્ચે પણ પ્રદ્યુમન પાર્કના મુલાકાતીઓ અને મનપાની આવક બન્ને વધારે હતા. આ વર્ષે રામવન સહિતના અન્ય હરવા-ફરવાના સ્થળોના કારણે પ્રદ્યુમનપાર્કમાં 20,985 મુલાકાતીઓ ઓછા આવ્યા હતા. પરિણામે ગયા વર્ષ કરતાં રૂ. 2,97, 910ની આવક ઓછી થઇ હતી. જો કે આમછતાં પણ પ્રદ્યુમનપાર્ક હરવા ફરવાના સ્થળોમાં હોટ ફેવરીટ રહ્યું હતું.

ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્મ થયેલ બે સફેદવાઘ બાળને મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ

સાતમ આઠમ અને દિવાળી જેવા તહેવારો પર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત હરવાફરવાના સ્થળોએ લોકોની ભીડ જામે છે. આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક અર્બન ફોરેસ્ટના નામે બનાવવામાં આવેલા રામવનનું જન્માષ્ટમી પહેલા જ લોકાર્પણ કરાતાં શહેરીજનો અને બહારગામથી આવનારા પ્રવાસીઓ માટે ભગવાન શ્રી રામના જીવનકવનને તાદ્રશ્ય કરતા રામવન આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. બે વર્ષ બાદ લોકમેળો પણ યોજાયો હતો. પ્રદ્યુમન પાર્ક સિવાય લોકમેળો, રામવન, અટલ સરોવર, ઇશ્ર્વરીયા અને ગાંધી મ્યુઝિયમ જેેવા હરવાફરવાના સ્થળો વચ્ચે રામવન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમછતાં પ્રદ્યુમન પાર્કમાં તા. 17થી તા. 21 સુધીમાં 68 હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર જન્માષ્ટમીના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્મ થયેલ બે સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

ગયા વર્ષે જન્માષ્ટમી પર્વે 89 હજાર મુલાકાતીઓ હતા

ગયાવર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કોરોના મહામારી હોવાછતાં પણ કોરોનાકાળ ભુલીને શહેરીજનો અને બહારગામથી આવેલા મુલાકાતીઓથી રાજકોટનું પ્રદ્યુમનપાર્ક ઉભરાઇ ગયું હતું. ચાર દિવસની રજા દરમિયાન અંદાજે 88,985 લોકોએ પ્રદ્યુમનપાર્કની મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકાને રૂ. 20,64,675ની આવક થઇ હતી. જો કે, ગયા વર્ષે લોકમેળાનું આયોજન થયું નહોતું. અને રામવન પણ બન્યુ નહોતું. ઈશ્વરીયા પાર્ક પણ બંધ રાખવામાં આવ્યું હતું. આ કારણે પણ હરવાફરવાના સ્થળમાં એકમાત્ર પ્રદ્યુમનપાર્ક જ હતું. આ કારણે પણ મુલાકાતીઓ અને આવક બન્ને વધુ હતા.

ક્યાં દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા?

તારીખ           મુલાકાતીઓની સંખ્યા             આવક
17                              1349                               37,100
18                           12,807                             3,31,610
19                           19,374                              4,99,135
20                          19,801                              5,08, 380
21                           14,667                              3,90,540
કુલ                       67,998                          17,66,765

Back to top button