રાજ્યમાં જૂની જંત્રી મુજબ 5,829 દસ્તાવેજ નોંધાયા છે. તેમજ નવી જંત્રીની અસર જોવા મળશે. રહેણાંક મિલકત માટે તૈયારી કરી ચૂકેલા ખરીદદારોએ દસ્તાવેજ કરાવ્યા છે. તેમજ અમદાવાદમાં 982 દસ્તાવેજ નોંધાયા તથા નવા 1,100 ટોકન ઈસ્યૂ કરાયા છે. તેમજ નવી જંત્રીના આંકડા સાથેની જાહેરાત થાય નહીં ત્યાં સુધી ચિત્ર સ્પષ્ટ થશે નહીં. રાજ્ય સરકારે જંત્રીમાં બમણો વધારો કરવાની અને તેનો તા.6-2થી અમલવારી કરવાની જાહેરાત બાદ આજે દસ્તાવેજ નોંધણી કચેરીમાં તેની અસર જૂજ જોવા મળી હતી.
આ પણ વાંચો: ગુજરાત: 11 હેરિટેજ ઈમારતનું 7 દિવસનું લાઇટબિલ જાણી દંગ રહી જશો
982 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી
અમદાવાદ શહેર અને જિલ્લાના સત્તાવાર આંકડા પ્રમાણે 982 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી. તેની સામે અંદાજે 1,100 ટોકન ઈસ્યુ થયા હતા. એટલે કે 118 દસ્તાવેજ ઓછા નોંધાયા હતા. રાજ્યમાં આજે કુલ 5,970 ટોકન ઈસ્યુ થયા હતા. તેની સામે જૂની જંત્રી મુજબ 5,829 દસ્તાવેજ નોંધાયા હતા. એટલે કે 141 દસ્તાવેજ ઓછા નોંધાયા હતા. જો કે સામાન્ય દિવસોમાં પણ કોઈના કોઈ કારણોસર દસ્તાવેજ ઓછા નોંધાતા હોય તેવું બનતું જ હોય છે.
આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા 1,414 કરોડના સટ્ટાકાંડમાં નવા ખુલાસા સામે આવ્યા
શહેર-જિલ્લાની મળી 14 ઓફિસો આવેલી
અમદાવાદ શહેર અને જિલ્લાની બહુમાળી ભવનમાં બેસતી સ્ટેમ્પ ડયુટી કચેરીના આંકડા અનુસાર રહેણાંક, કોમર્શિયલ, ખેતી, બિનખેતી સહિતના મળીને 982 દસ્તાવેજ નોંધાયા હતા. તેની સામે આજે અંદાજે 1,100 જેટલા ટોકન ઈસ્યુ થયા હતા. શહેર-જિલ્લાની મળી 14 ઓફિસો આવેલી છે. તેમાં આજે રાબેતા મુજબ દસ્તાવેજ નોંધણી કરાવનાર ઉમટી પડયા હતા. જંત્રી વધવાના કારણે ઉઘડતા દિવસે દસ્તાવેજ નોંધણી કરાવનારની સંખ્યા ઘટી જશે તેવી ધારણા ખોટી પડી છે. કેમ કે અગાઉથી ટોકન લઈ ગયા હોય તેવા લોકો પાસે દસ્તાવેજ કરાવ્યા સિવાય કોઈ છૂટકો બાકી રહ્યો નથી. જેમને મકાન, ફ્લેટ, બંગલો કે ખેતીની જમીન લેવી છે તેમણે ઘણા સમય અગાઉ શોધખોળ કરી હોય, પસંદગી કરી હોય, ટોકન રકમ બિલ્ડરને ચુકવી હોય, બેંક લોન મંજૂર કરાવી હોય આ બધી પ્રક્રિયામાં સારો એવો સમય વ્યતિત થયા પછી હવે દસ્તાવેજ કરાવવાનો સમય આવ્યો ત્યારે કયો માણસ દસ્તાવેજ રદ કરાવે ? તેવો પ્રશ્નસહજ રીતે ઉઠયો છે.
આ પણ વાંચો: ચોટીલામાં રોપ-વે બાબતે ગોલમાલ, મોરબી જેવી ઘટના બને તો નવાઇ નહી
બિલ્ડરો ચેકથી વહીવટ કરે છે તેમને કશો ફર્ક પડશે નહીં
આ સંજોગોમાં જંત્રી વધવા છતાં પોતાનું મકાન ખરીદનાર પર કોઈ વિપરિત અસર પડી નથી. વિપરિત અસર આવશે પરંતુ તે આગામી દિવસોમાં ખબર પડશે. જાણકારોના કહેવા પ્રમાણે લોકોને કશો ફર્ક પડયો નથી. ઈન્વેસ્ટર છે તેવા લોકો કદાચ હાલ પુરતું રોકાણ કરવાથી દૂર રહે અને પરિસ્થિતિ ક્લિયર થાય તેની રાહ જોવાનું પસંદ કરશે. ઘણા એવું પણ માને છે કે જંત્રી વધવાના કારણે જે બિલ્ડરો ચેકથી વહીવટ કરે છે તેમને કશો ફર્ક પડશે નહીં. બેનંબરી પૈસા બંધ થઈ જશે.
આ પણ વાંચો: રાજ્યભરના બિલ્ડરો ઊહાપોહ, નવી જંત્રીનો અમલ પહેલી મે, 2023થી કરવામાં આવે
નવી જંત્રીના આંકડા સાથેની જાહેરાત થાય નહીં ત્યાં સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થાય
જ્યાં સુધી સરકાર દ્વારા વધેલી જંત્રીના દરની સત્તાવાર જાહેરાત, આંકડા સાથે પ્રસિદ્વ કરવામાં આવે નહીં ત્યાં સુધી હવે નવા ખરીદાર દસ્તાવેજ કરાવે નહીં તેવું બને તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. તેમના મત પ્રમાણે સરકાર એક વખત જંત્રીના આંકડા જાહેર કરે તેના આધારે કેટલી સ્ટેમ્પ ડયુટી ભરવાની થશે તે સ્પષ્ટ થાય પછી નવા ખરીદારો કદાચ દસ્તાવેજ કરાવે તેવી શક્યતા છે.