આફતનો કમોસમી વરસાદઃ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકને વ્યાપક નુકસાન
રાજ્યમાં ગઇકાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોટાભાગના જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાબરકાંઠા, બોટાદ, જૂનાગઢ અને જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જે દરમિયાન સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) પગલે હવામાનમાં પલટો (Climate change) આવ્યો હતો. બુધવારે શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહ્યા બાદ રાત્રે છાંટા વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.આજ અને કાલ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે બે દિવસ 10 થી 15 કિમીની ઝડપે પવનો ફુકાવા સાથે માવઠાની પણ આગાહી કરી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી ઉનાળુ પાકને નુકસાન જવાની ભિતિ વર્તાય રહી છે.
કેસર કેરીના ગઢને માવઠાની અસર
જગવિખ્યાત કેસર કેરીનું મોટા પ્રમાણમાં ગીરમાં ઉત્પાદન થાય છે અને હજારો હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચાઓનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ કેસર કેરીના ગઢને જાણે કોઇની નજર લાગી હોય તેમ છેલ્લા ઘણા વર્ષોથી કેસર કેરીનું ઉત્પાદન દિનપ્રતિદિન ઘટી રહ્યું છે. જેની પાછળના અનેક કારણો છે પણ સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુના કારણે કેસર કેરી પર માઠી અસર પડે છે. જેની સીધી અસર તેના ઉત્પાદન પર થાય છે. ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.
ઉનાળુ પાક પર માવઠાનો માર
જૂનાગઢ જિલામાં બે દિવસ થી વાતાવરણ માં પલટો આવ્યો છે અને વિસાવદર પંથકમાં તો ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ગતરાત્રે વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતોના ઉનાળુ કઠોળ પાક જેવા કે તલ,મગ, અડદના પાકો પર માઠી અસર થઇ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. એક તો જીવાતનું પ્રમાણ વધશે જેને લઇ દવાનો ઉપયોગ કરવો પડશે અને ઉત્પાદન પણ ઓછુ આવશે એટલે ડબલ માર પડશે. તો સોરઠની પ્રખ્યાત કેસર કેરીને પણ ભારે નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમાં પણ કેરી ખુબ ખરી છે અને જીવાત આવતા તેની ગુણવતામાં ફેર પડશે સાથે ઉત્પાદન ઓછુ થતા ખેડૂતોને ખુબ નુકશાની થવાની ભિતિ છે
ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
અમરેલી જિલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતોની જાણે કે માઠી દશા બેઠી છે, ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે આંબાના બગીચાઓ તહેસ નહેસ થઈ ગયા હતા અને મોટાભાગનો કેરીનો પાક લગભગ નિષ્ફળ ગયો હતો.ચાલુ વર્ષે પણ કેરીનું ઉત્પાદન ખુબ જ ઓછુ આવે તેમ છે ત્યારે હવે પલટાયેલા વાતાવરણના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ધારી તાલુકાના ઝર, મોરઝર, દલખાણીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે. તેથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ દર્શાવાય રહી છે.