ડાયમંડમાં મંદીની અસર : આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ ઘટી
શ્રાવણમાસની શરૂઆત એટલે તહેવારોની શરૂઆત થાય છે ત્યારે તહેવાર ટાણે જ સુરતના હીરા ઉદ્યોગકારોએ નુકસાનીનો સામને કરવો પડશે. કારણ કે રેપાપોર્ટ દ્વારા તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કરાયો છે. જે લોકોએ સ્ટોક કર્યો હશે તેવા ઉદ્યોગકારોને નુકસાનીનો સામનો કરવો પડશે.
રેપાપોર્ટે 3થી7 ટકા સુધીનો તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2008 બાદ સૌ પ્રથમ વાર તૈયાર હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો. તૈયાર હીરાના ભાવમાં ઘટાડો થતા વેપારીઓએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હીરાની માંગમાં વધારો થવાને કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં રફના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો હતો.
પ્રોડક્શન ઓછું થતા રોજગારી પર થશે અસર
સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે,હીરા વેપારીઓની હોલ્ડિંગ કેપેસિટી હોય તે માલનો સ્ટોક કરે. જેમની મજબૂરી હોય તેવા હીરા વેપારીઓ નુકસાન કરીને વેચે. અથવા તો પ્રોડક્શન પર કાપ પણ આવી શકે.એટલે કે જેઓએ નફો કરવાના આશયથી હીરાનો સ્ટોક કરી રાખ્યો હતો તેઓએ નુકસાની વેઠવાનો વારો આવશે. જેની અસર રત્નકલાકારો પર પણ જોવા મળશે. કારણ કે વેપારી સ્ટોક પૂરતો હોવાથી નવું પ્રોડક્શન કરશે નહીં અને પ્રોડક્શન બંધ રહેતા રત્નકલાકારોની રોજગારી પર અસર થઇ શકે છે.
આ તરફ GJEPCના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના હીરા વેપારીઓ મહેનત કરીને હીરાનું મેન્યુફેક્ચરિંગ કરે અને અન્ય કંપની તેના ભાવ નક્કી કરે તે અયોગ્ય બાબત છે. હીરાવેપારીઓએ એક થઈ તેનો વિરોધ કરવો જોઈએ. મહત્વનું છે કે રેપાપોર્ટ પ્રાઇસ લિસ્ટએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક છે જેનો ઉપયોગ ડીલરો દ્વારા તમામ મુખ્ય બજારોમાં હીરાની કિંમતો સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે.