પાકિસ્તાનમાં અમર શહીદ સુખદેવની જન્મજયંતી ઉજવાઈ, ‘રાષ્ટ્રીય નાયક’નો દરજ્જો આપવા માંગ
- બુધવારે સ્વાતંત્ર્ય સેનાની સુખદેવની 117મી જન્મજયંતીની ઉજવણી
- પાકિસ્તાન સરકાર પાસે સ્વાતંત્ર્ય સેનાનીઓને ‘રાષ્ટ્રીય હીરો’નો દરજ્જો આપવાની માંગ
- ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના દ્વારા કરી ઉજવણી
લાહોર,16 મે: લાહોર હાઈકોર્ટના વકીલોના એક જૂથે બુધવારે સ્વાતંત્ર્ય સેનાની સુખદેવની 117મી જન્મજયંતીની ઉજવણી કરી. તેમણે પાકિસ્તાન સરકાર પાસે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને ‘રાષ્ટ્રીય હીરો’નો દરજ્જો આપવાની માંગ કરી હતી. ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન સાથે જોડાયેલા વકીલો લાહોર હાઈકોર્ટના પરિસરમાં એકઠા થયા હતા અને સ્વાતંત્ર્ય સેનાની સુખદેવની જન્મજયંતી નિમિત્તે કેક કાપવામાં આવી હતી.
લાહોર હાઈકોર્ટમાં સુખદેવ જયંતી ઉજવાઈ
આ અવસર પર એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો જેમાં લાહોરમાં એક રોડનું નામ સુખદેવના નામ પર રાખવાની માંગ કરવામાં આવી. તેમાં એવી માંગણી પણ કરવામાં આવી હતી કે તેમના પર એક પ્રકરણ શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે અને તેમના નામે એક ખાસ ટપાલ ટિકિટ કે સિક્કો જારી કરવામાં આવે.
કાર્યક્રમ દરમિયાન, ફાઉન્ડેશનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રશીદ કુરેશીએ જણાવ્યું હતું કે જૂથ આ સ્વાતંત્ર્ય સેનાનીઓની જન્મ અને મૃત્યુ જયંતિ ગર્વથી ઉજવે છે.
સુખદેવને ભગત સિંહની સાથે ફાંસી આપવામાં આવી હતી. સુખદેવનો જન્મ 15 મે 1907ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. બ્રિટિશ સરકાર દ્વારા 23 માર્ચ, 1931ના રોજ લાહોરમાં રાજગુરુ અને સુખદેવ સાથે ભગતસિંહને શાસન વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ભારત ચંદ્ર પર, આપણે ત્યાં ગટર…’ પાકિસ્તાની સાંસદે એસેમ્બલીમાં પોતાના દેશની જ પોલ ખોલી