ભારતના 700 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની કેનેડાથી ધરપકડ
કેનેડા ભણવા ગયેલા પંજાબના 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનાર બ્રિજેશ મિશ્રાની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો કેનેડા સરકારના આદેશ સાથે જોડાયેલો છે જેમાં 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાની સરકારે તેના આદેશને મુલતવી રાખ્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા
આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવા પાછળ બ્રિજેશ મિશ્રાનો હાથ છે, મામલો સામે આવ્યો ત્યારથી તે ફરાર હતો, બ્રિજેશ મિશ્રા પર અન્ય ઘણા આરોપો છે. તેઓ જલંધરમાં હાજર એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસના વડા રહી ચૂક્યા છે. વિદ્યાર્થીઓએ અહીંથી સ્ટડી વિઝા મેળવ્યા હતા. આ વિઝા નકલી હોવાનું જણાયું હતું.
શું કહ્યુ કેનેડાની સરકારે?
કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના નાગરિક બ્રિજેશ મિશ્રા પર ઈમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ 5 આરોપો લગાવવામાં આવ્યા છે.
કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર માર્કો મેન્ડિસિનોએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી સરકાર છેતરપિંડી માટે જવાબદાર લોકો સામે પગલાં લઈ રહી છે, સાથે જ અહીં અભ્યાસ કરવા આવેલા લોકોની સુરક્ષા પણ કરી રહી છે.”
ક્યા આરોપો હેઠળ થઈ કાર્યવાહી?
ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે બ્રિજેશ મિશ્રા પર લાઇસન્સ વગરની ઈમિગ્રેશન સલાહ આપવા અને અન્ય લોકોને ખોટી રજૂઆત કરવા, સત્તાવાળાઓ પાસેથી માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ શુક્રવારે મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમનું કહેવું છે કે અમારો હેતુ પીડિત વિદ્યાર્થીઓને હેરાન કરવાનો નથી પરંતુ અમે આ મામલાની વધુ સારી તપાસ કરવા માંગીએ છીએ.
કેવી રીતે પકડાયો ગઠીયો બ્રિજેશ મિશ્રા?
બ્રિજેશ મિશ્રાની અયોગ્યતા ત્યારે જાણવા મળી જ્યારે તેણે કેનેડામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે. બ્રિજેશ મિશ્રા હાલમાં બ્રિટિશ કોલંબિયામાં પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, તેના પર ગુનાહિત આરોપ મૂકવામાં આવ્યો હોવાથી, તેની કસ્ટડી કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીમાંથી બ્રિટિશ કોલંબિયામાં કાયદા અમલીકરણને ટ્રાન્સફર કરવામાં આવી છે. મિશ્રાના જામીનની સુનાવણી આજે રાત્રે થવાની છે, જો કે તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા છે, આ કેસમાં સોમવારે જામીનની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરીએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, મોદીના કર્યા વખાણ