ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડવિશેષ

ભારત પર દેવાનો બોજ વધતાં IMFની ચેતવણી, આંકડો રૂ. 205 લાખ કરોડને પાર

  • ભારતનું અર્થતંત્રએ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
  • મજબૂત અર્થતંત્ર સાથે દેશ પરના દેવામાં પણ વધારો નોંધાયો
  • ભારતનું દેવું GDPના 100% કરતાં વધી શકે છે : IMF

નવી દિલ્હી, 21 ડિસેમ્બર : ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. પરંતુ આંકડાઓ અનુસાર, તેની સાથે દેશ પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે. જેથી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે(IMF) ભારતને ચેતવણી આપી છે. પરંતુ કેન્દ્ર સરકારે આ ચેતવણીને રદિયો આપ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, “વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડૉલર અથવા 205 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે, આ દરમિયાન ડૉલરની કિંમતમાં વધારાની પણ અસર થઈ છે, જેના કારણે દેવાનો આંકડો વધી ગયો છે. ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટરમાં, ભારતનું કુલ દેવું 2.34 ટ્રિલિયન ડૉલર અથવા લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું.”

IMFએ દેવા અંગે ચેતવણી આપી

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પણ દેવા અંગે ભારતને ચેતવણી આપી ચૂક્યું છે. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે, ભારતનું સામાન્ય સરકારી દેવું, જેમાં કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ થાય છે, મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળામાં લોન ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકારે IMFના આ અહેવાલ સાથે અસંમતિ વ્યક્ત કરી છે અને માને છે કે સરકારી દેવાથી જોખમ ઘણું ઓછું છે, કારણ કે મોટા ભાગનું દેવું ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં છે.

દેશનું કુલ દેવું આટલું વધી ગયું !

ઈન્ડિયાબોન્ડ્સના (Indiabonds.com) સહ-સ્થાપક વિશાલ ગોએન્કાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટાને ટાંકીને કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, અગાઉ ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટરમાં, કુલ દેવું 2.34 ટ્રિલિયન ડોલર અથવા લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું. તેમણે વધુમાં કહ્યું કે, સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું 161.1 લાખ કરોડ રૂપિયા હતું, જે માર્ચના ક્વાર્ટરમાં 150.4 લાખ કરોડ રૂપિયા હતું. આ સાથે જણાવવામાં આવ્યું છે કે કુલ દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો 50.18 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન યુએસ ડૉલરના મૂલ્યમાં થયેલા વધારાની અસર પણ આ દેવાના આંકડા પર પડી છે. વાસ્તવમાં, તે પણ સમજી શકાય છે કે માર્ચ 2023ના મહિનામાં એક ડોલર 82.5441 રૂપિયા હતો, જે હવે વધીને 83.152506 રૂપિયા થઈ ગયો છે.

અહેવાલમાં કયા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે

આ રિપોર્ટ RBI, CCI અને SEBI પાસેથી એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ દેવાના 46.04 ટકા છે. આ સિવાય રાજ્યોનો હિસ્સો એટલે કે 50.18 લાખ કરોડ રૂપિયા 24.4 ટકા છે.

રિપોર્ટમાં રાજકોષીય ખર્ચની વિગતો પણ આપવામાં આવી છે, જે રૂ. 9.25 લાખ કરોડ છે અને કુલ દેવાના 4.51 ટકા છે. આ સિવાય ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડનો હિસ્સો 21.52 ટકા હતો, જે 44.16 લાખ કરોડ રૂપિયા છે.

આ પણ જુઓ :બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ માટે વૈકલ્પિક રોકાણના નિયમો કડક કરતું RBI

Back to top button