અમદાવાદની દરેક બેઠક ભાજપ માટે “ઇમેજ”નો સવાલ, જાણો કેમ PM મોદીને રસ્તા પર ઉતરવું પડ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો ભાજપ માટે ઇમેજનો સવાલ છે, જેને 1990 પછી અહી ચૂંટણીમાં હંમેશા લીડ મેળવી છે. કોંગ્રેસને 2012માં આ 16 બેઠકમાંથી 2 બેઠક પર જીત મળી હતી. 2017માં તેના પ્રદર્શનમાં સુધારો થયો હતો અને પાર્ટીએ ચાર બેઠક જીતી હતી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ આ રીતે જીતશે જંગ!

શહેરમાં એક પછી એક એમ બે રોડ-શો કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાન પહેલા શહેરમાં એક પછી એક એમ બે રોડ શો કર્યા હતા. આ તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર મતદાન થવાનું છે. ભાજપનો ગઢ ગણાતા અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક ફરી ચર્ચામાં આવી ગઇ છે. મોદીએ શહેરમાં 1 ડિસેમ્બરે 51 કિલોમીટરનો લાંબો રોડ શો કર્યો હતો, તેમનો રોડ-શો અમદાવાદની 14 વિધાનસભા વિસ્તારમાં થઇને પસાર થયુ હતુ. બે ડિસેમ્બરે પીએમ મોદીએ ખાનપુરથી સરસપુર સુધી રોડ-શો કર્યો હતો.

બે મુખ્ય બેઠક મણિનગર અને ઘાટલોડિયા
ગુજરાતના અન્ય શહેરની જેમ અમદાવાદ શહેરના મતદાર 90ના દાયકાની શરૂઆતથી ભાજપની પાછળ મજબૂતી સાથે ઉભા રહ્યા છે. શહેરમાં બે મુખ્ય બેઠક મણિનગર અને ઘાટલોડિયા છે. મણિનગર બેઠક પરથી 2002થી 2014 સુધી મોદી ધારાસભ્ય રહ્યા હતા જ્યારે પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય છે. આ પહેલા આ બેઠક પર આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા.

ભૂપેન્દ્ર પટેલે 1.17 લાખ મતના ભારે અંતરથી જીત મેળવી
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન છતા 2017માં ભૂપેન્દ્ર પટેલે 1.17 લાખ મતના ભારે અંતરથી જીત મેળવી હતી. ભાજપે ફરી સત્તામાં આવવા પર ભૂપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યસભાના સાંસદ અમિ યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. મણિનગર વિધાનસભા વિસ્તાર શહેરની સૌથી ચર્ચિત બેઠક અને ભાજપનો ગઢ ગણાય છે. એક તરફ જમાલપુર-ખાડિયા અને દરિયાપુર બેઠક પર કોંગ્રેસનો પ્રભાવ છે જ્યારે બીજી તરફ છ અન્ય બેઠક ઘાટલોડિયા, ઠક્કરબાપાનગર, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડામાં પાટીદાર સમાજના મતદારોની મોટી સંખ્યા છે.