પાલનપુર : ડીસામાં પોલીસ દ્વારા લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
પાલનપુર: ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. જેને લઈને રાહદારીઓ અને શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર વહીવટીતંત્રને લેખિતમાં અને મૌખિકમાં રજુઆત કરવા છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાતાં શહેરજનોમાં પોલીસ સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે બે દિવસથી ડીસા ઉત્તર પોલીસ નિંદ્રામાં અચાનક જાગી છે, અને ઉત્તર પોલીસ સ્ટેશનના હદમાં ટ્રાફીક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જેમાં શહેરના રાજમાર્ગો પર ઉભા રહેતાં નાના ધંધા રોજગાર કરતાં શ્રમજીવીના લારી ગલ્લા દુર કરવામાં આવી રહ્યા છે. અને ફુટપાથ પર ગેરકાયદેસર દબાણો પણ દુર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. પરંતુ મોટા માથાઓના દબાણો યથાવત જોવા મળી રહ્યાં છે. પાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે પોલીસ દ્વારા કોઈની પણ શેહશરમ રાખ્યા વગર શહેરમાં અને હાઈવે પર ગેરકાયદેસર થયેલાં દબાણો દૂર કરવામાં આવે તો શહેરજનો રાહદારીઓ અને વાહનચાલકો પડતી મુશ્કેલીઓને દુર કરી શકાય તેમ છે.
દુકાનો આગળ લારી ધારકો પાસેથી મસમોટા ભાડાં વસુલતા વેપારીઓ
દર વખતે દબાણ હટાવવાની કામગીરીમાં માત્ર ગરીબ લારી ધારકોને ટાર્ગેટ બનાવવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય? કેટલાય વેપારીઓ પણ દુકાનો આગળ લારીઓ ઉભી રખાવીને લારી ધારકો પાસેથી મસમોટા ભાડાં વસુલી રહ્યા છે.
પાલિકાના રોડ હોવા છતાં ગેરકાયદેસર રીતે ડીસા શહેરમાં ખાડીયા વિસ્તારની બાજુમાં જુની શાકમાર્કેટ સહિત અનેક જગ્યાએ ભાડું વસૂલ કરી દબાણો કરાવતાં વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :ખેડા: નાયબ મામલતદારનું ઘરમા આકસ્મિક મોત, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ