IITના સ્ટુડન્ટ્સે સેલરીના તમામ રેકોર્ડ તોડ્યા, જુઓ આટલા કરોડનું પેકેજ થયું ઓફર
દુનિયાભરમાં મંદી અને મોંઘવારીની વચ્ચે છટણીઓની સીઝન ચાલુ જ છે. તે બધાથી જાણે અજાણ હોય તેમ IITsના વિદ્યાર્થીઓને રેકોર્ડ સેલરી ઓફર થઇ રહી છે. IITમાં પ્લેસમેન્ટનો સમય શરૂ થઇ ચુક્યો છે. જેમાં IIT દિલ્હી, મુંબઇ અને કાનપુરના વિદ્યાર્થીઓને જેન સ્ટ્રીટ તરફથી વાર્ષિક 4 કરોડથી વધુ પગારની ઓફર મળી છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓને 2.16 કરોડની સેલરી ઓફર ઉબેરે એક સ્ટુડન્ટને કરી હતી. આ ઉપરાંત 1 ડિસેમ્બરે શરૂ થયેલા પ્લેસમેન્ટમાં ઇન્ટરનેશનલ ઓફર્સમાં સૌથી વધુ 2.4 કરોડ રૂપિયા અને દેશમાં 1.3 કરોડના વાર્ષિક પેકેજ IIT વિદ્યાર્થીઓને ઓફર કરાયા છે.
પહેલા દિવસે IIT ગુવાહાટી, રુડકી અને મદ્રાસમાં કુલ મેળવીને 978 વિદ્યાર્થીઓને નોકરીના આકર્ષક પેકેજ ઉપલબ્ધ થયા હતા. એન્જિનિયરિંગની આ 3 ટોપ કોલેજોમાં કેટલાય વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ જોબઓફર્સ મેળવી છે. IIT મદ્રાસનું પ્લેસમેન્ટ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં 10 % બહેતર રહ્યુ.
કઇ કંપનીઓએ કરી ઓફર
IIT રૂડકીમાં પ્લેસમેન્ટના પહેલા દિવસે કુલ 365 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી. તેમાંથી 6 આંતરરાષ્ટ્રીય ઓફર્સ છે. અહીં સૌથી વધુ ઇન્ટરનેશનલ જોબ ઓફરમાં 1.06 કરોડનું પેકેજ અપાયુ. IIT ગુવાહાટીમાં પ્લેસમેન્ટ 2022ના પહૈલા દિવસે કુલ 46 કંપનીઓએ કુલ 168 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર આપી. તેમાંથી માત્ર બે ઇન્ટરનેશનલ ઓફર હતી. સૌથી મોટી ઇન્ટરનેશનલ ઓફર 2.4 કરોડ વાર્ષિક પેકેજની હતી. IIT મદ્રાસમાં પ્લેસમેન્ટના પહેલા દિવસે 445 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી. તેમાં 25 વિદ્યાર્થીઓને 1 કરોડથી વધુની સેલરી ઓફર કરાઇ. પ્લેસમેન્ટમાં ક્વાન્ટ, કોર એન્જિન, વ્હીકલ ડિઝાઇનિંગ, ડેટા સાયન્સ, મોર્ગન સ્ટેનલે, ગ્રેવિટોન, બજાજ ઓટો, ચેતક ટેક લિમિટેડ, ક્વાલકોમ, જેપી મોર્ગન, પ્રોડક્ટ એન્ડ ગેમ્બલ, કોહેસિટી, VLSI જેવી કંપનીઓ સામેલ હતી.