કોરોનાની બે લહેર અંગે સચોટ આગાહી કરનાર IIT પ્રોફેસરે નવા વેરિયન્ટ અંગે શું કહ્યું ?


વિશ્વમાં કોરોનાની ગતિ તેજ બની રહી છે. જેમાં ચીનમાં હાહાકાર મચાવતા કોરોનાના નવા પ્રકાર BF.7ને અંગે દેશના જાણીતા પ્રોફેસર અને અગાઉની કોરોના લહેર અંગે યોગ્ય વિશ્લેષણ કરનાર IIT કાનપુરના પ્રો. મનીન્દ્ર અગ્રવાલે ગાણિતિક મોડલ ફોર્મ્યુલાની મદદથી કોરોનાના ઉતાર-ચઢાવનું મૂલ્યાંકન કરી દેશની જનતાએ ગભરાવવાની જરૂર નથી તેમ જણાવ્યું છે.
દેશની આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રો. મનીન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, કોરોનાનું આ નવું સ્વરૂપ એવા લોકોને ઘેરી શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ રસીના કારણે બની છે. વેક્સિનથી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરતો વર્ગ માત્ર બે ટકા જ છે.

અગાઉની કોરોનાની બંને લહેર વચ્ચે પ્રો.મનીન્દ્ર અગ્રવાલની આગાહીઓ ભૂતકાળમાં પણ સાચી સાબિત થઈ છે. તેમણે કહ્યું કે ચીન જેવી સ્થિતિ દેશમાં બિલકુલ નહીં થાય. તેમણે લોકોને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. તમે સામાન્ય જીવન જીવી રહ્યા છો તેવું જીવો, અફવાઓ પર ધ્યાન ન આપો.
આ પણ વાંચો : હવે નાકથી લઈ શકાશે કોરોનાની રસી, નેઝલ વેક્સિનને સરકારની લીલીઝંડી
પ્રો. અગ્રવાલે કહ્યું કે ભારતમાં જોખમનું કોઈ કારણ નથી, કારણ કે ભારતમાં 98 ટકાથી વધુ લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે. અત્યાર સુધીના અભ્યાસમાં જે બાબતો સામે આવી છે તે મુજબ દેશમાં કોવિડ વેવ આવવાની કોઈ શક્યતા નથી. હા, લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોવિડના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. બાકીના દેશમાં કેસ વધ્યા પછી જ ચોક્કસ આકારણી થઈ શકે છે.