IIM બેંગલોર ઇન્ડોનેશિયામાં ખોલશે પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ

IIM Bangalore campus in Indonesia: ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIM બેંગલોર હવે પ્રથમ વખત વિદેશમાં પોતાનું કેમ્પસ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે IIM બેંગલોરનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ઇન્ડોનેશિયાના સિંઘાસારી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં સ્થાપિત કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય હેતુ ઇન્ડોનેશિયા ઉપરાંત સમગ્ર ASEAN ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને વિશ્વસ્તરીય મેનેજમેન્ટ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે.
ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ નિર્ણયને ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પહેલ ભારતની નવી શિક્ષણ નીતિ NEP 2020ના વૈશ્વિક શિક્ષણ વિસ્તરણના વિઝનને વધુ મજબૂત બનાવશે.
બે તબક્કામાં શરૂ થશે કેમ્પસ
IIM બેંગલોર ઇન્ડોનેશિયા કેમ્પસની શરૂઆત બે તબક્કામાં કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં સિનિયર એક્ઝિક્યુટિવ્સ, બિઝનેસ લીડર્સ અને સરકારી અધિકારીઓ માટે Executive Education Programmes શરૂ કરવામાં આવશે.
જો પ્રથમ તબક્કો સફળ રહેશે, તો લગભગ બે વર્ષ બાદ બીજા તબક્કામાં નિયમિત મેનેજમેન્ટ ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવશે.
આધુનિક વિષયો પર રહેશે ફોકસ
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને વૈશ્વિક માંગ ધરાવતા વિષયો પર અભ્યાસ કરાવવામાં આવશે. તેમાં Global Supply Chain, Digital Transformation, Artificial Intelligence (AI), Climate & Sustainability અને Healthcare Management જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થશે.
વિદ્યાર્થીઓને ઉદ્યોગના નિષ્ણાતો, વૈશ્વિક શિક્ષણવિદો અને અનુભવી વ્યાવસાયિકો સાથે સીધો સંવાદ કરવાની તક પણ મળશે.
ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને મળશે નવી મજબૂતી
આ પ્રોજેક્ટ IIM બેંગલોર અને PT Intelegensia Grahatama (PT IGT) વચ્ચેના સમજૂતી કરાર (MoU) હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે શૈક્ષણિક સહયોગ, કુશળ માનવસંસાધન વિકાસ અને વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
બેંગલુરુ કેમ્પસની પણ મળશે મુલાકાત
ઇન્ડોનેશિયા કેમ્પસના વિદ્યાર્થીઓને સમયાંતરે IIM બેંગલોરના બેંગલુરુ કેમ્પસની શૈક્ષણિક મુલાકાત કરવાની તક મળશે. આ દરમિયાન તેઓ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, નવીનતા અને બિઝનેસ વાતાવરણનો નજીકથી અનુભવ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં 21 IIM કાર્યરત છે. વર્ષ 2023માં IIM મુંબઈ દેશનું 21મું IIM બન્યું હતું. હવે ઇન્ડોનેશિયામાં શરૂ થનારો IIM બેંગલોરનો આ કેમ્પસ ભારતના ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.












