રાજ્યમાં હાલ ચોમાસાએ વિદાય લીધી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી વાદળછાયું વાતાવરણ તો સર્જાય છે પરંતુ વરસાદ વરસતો નથી અને જ્યાં વરસે છે ત્યાં હળવો વરસી બંધ થઇ જાય છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં હજુ સામાન્યથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો.જેમાં વ્યારા,ડોલવણ, વાલોડ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સામાન્ય વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સાથે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા છે.
8થી 10 સપ્ટેમ્બર દ. ગુજરાતમાં ભારે વરસાદની વકી
હવામાન વિભાગે જણાવ્યા મુજબ રાજ્યમાં 8, 9, 10, 11 સપ્ટેમ્બર એમ ચાર દિવસ પણ વરસાદ પડી શકે છે.બે દિવસ બાદ એટલે કે 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો 9 સપ્ટેમ્બરે તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જયારે 10 સપ્ટેમ્બરે નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો 11 સપ્ટેમ્બરના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.