કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ રેન્જમાં વ્યાજખોરોની કમ્મર તોડી નાખતી કાર્યવાહી કરતા આઈજી અશોકકુમાર યાદવ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાસૂચન અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવા ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં 329 થી વધુ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજીના જણાવ્યા મુજબ આ વ્યાજખોરી વિરુદ્ધના લોક દરબારમાં સ્થળ ઉપર રજુઆત કરવાથી માંડી ફરીયાદ લેવા સુધીની તમામ સુવિધા ઉભી કરવામાં આવી હતી. ફીલ્ડ ટીમોને સ્ટેન્ડબાય રાખી જરૂર જણાયે ત્વરીત આરોપીની ધરપકડ તથા સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવેલ છે.

99 ગુના નોંધાયા 128 આરોપીઓની ધરપકડ

રેન્જ હેઠળના પાંચ જિલ્લા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 99 ગુના નોંધાયા 128 આરોપીઓની ધરપકડ કરાઈ છે. વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ 69 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોસો આપવામાં આવ્યો છે. વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો 100 ટકા ભોગ બનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર છે.

વ્યાજખોરોની મિલકત ઉપર બુલડોઝર ચલાવવા વિચારણા

વધુમાં અશોકકુમાર યાદવે જણાવ્યુ છે કે, વ્યાજખોરો દ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ દ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે. ઉપરાંત જ્યાં જરૂર પડશે ત્યાં આવકવેરા વિભાગ અને ઈડીનો પણ સહયોગ લેવામાં આવશે.

ભોગ બનનારને દસ્તાવેજો સહિતની મત્તા પરત અપાવી

રાજકોટ રેન્જમાં દાખલ કરવામાં આવેલા 99 ગુનાઓ પૈકી કેટલાક ગુનાઓમાં 10 દસ્તાવેજો, 4 સ્ટેમ્પ પેપર પર કરવામાં આવેલ લખાણ, જુદી જુદી બેંકના કુલ 76 ચેકો તથા 4 પાસબુક, 5 મોબાઇલ ફોન, 3 મોટર સાઇકલ જેની કિં.રૂ.1,20,000, 5 કાર જેની કિ.રૂ.19,50,000, 1 અતુલ રીક્ષા તથા સોનાના દાગીના જેની કુલ કિં.રૂ.5,42,022 મળી કુલ કિ.રૂ.26,12,022 નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે. તેમજ સમગ્ર રેન્જમાં ફ્રી રજિસ્ટ્રેશન ઓફ ક્રાઇમની નિતીનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ નોંધાયેલ ગુનાઓને 100 ટકા સાબીતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

Back to top button