અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

IFFCOની ચૂંટણીમાં ખરાખરીનો જંગ: જયેશ રાદડિયાનું ત્રીજી ટર્મ જીતવાનું સપનું સાકાર થશે?

અમદાવાદ, 4 મે 2024, દેશની ટોચની સહકારી સંસ્થા ગણાતી IFFCOની આગામી 9મી મેના રોજ ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પહેલા ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને એક પણ ફોર્મ પાછું ખેંચાયું નહોતુ.હવે ગુજરાતમાં ત્રણ ઉમેદવારો વચ્ચે IFFCOની ચૂંટણીમાં જંગ જામશે.જેમાં રાજકોટના જયેશ રાદડિયા,અમદાવાદના બિપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલનો સમાવેશ થાય છે.

છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા બીનહરિફ ચૂંટાતા હતા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગત 27 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચાર માટે જામકંડોરણામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ જયેશ રાદડિયાના નિવાસ સ્થાને દોઢ કલાક જેટલો સમય વિતાવી ભોજન પણ લીધું હતું. ત્યાર પછી સહકારી ક્ષેત્રનું ચિત્ર બદલાયાની ચર્ચા ચાલી છે. ઇફ્કોના ડાયરેક્ટર બોર્ડમાં ગુજરાતની સીટ પર છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા બીનહરિફ ચૂંટાતા હતા, પરંતુ આ વખતે સહકારી ક્ષેત્રે પણ ઉમેદવાર પસંદગીમાં વિવાદ જોવા મળી રહ્યો છે. સહકારી ચૂંટણીમાં પણ પાર્ટી મેન્ડેટ ફરજીયાત કરવાનો નિર્ણય હોવાથી ભાજપ દ્વારા આ વખતે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ વગર ફોર્મ ભરી દીધું હતું અને શુક્રવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ કોઈએ ફોર્મ પરત ન ખેંચતા રાજકોટના જયેશ રાદડિયા, અમદાવાદના બિપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

અમિત શાહ રાદડિયાના નિવાસ સ્થાને દોઢ કલાક રહ્યા
સહકારી ક્ષેત્રના રાજકારણમાં કોણ બાજી મારશે તે વિશે સહકારી તથા રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.ઉલ્લેખનિય છે કે, અમિત શાહની જામકંડોરણાની મુલાકાત બાદ ચિત્ર બદલાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહે રાદડિયાના નિવાસ સ્થાને દોઢ કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને ભોજન પણ લીધું હતું. આ વખતે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર હતા. આ સમયે જ ઇફ્કોની ચૂંટણીનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. જયેશ રાદડિયાનું ત્રીજી ટર્મ માટે ઇફ્કોના ડાયરેક્ટર બનાવવાનું સપનું સાકાર થશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.9 મેના રોજ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણીમાં ગુજરાત સિવાય પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, તામીલનાડુ, બિહાર સહિતના રાજ્યોની બેઠકો માટે પણ ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો-ડુંગળીની નિકાસ પર 40% ડ્યૂટી લાદવાનો ભારત સરકારનો નિર્ણય

Back to top button