તમે સોલો ટ્રાવેલિંગના શોખીન છો અને મહિલા છો, તો પહેલા જાણી લો આ પડકારો
- જો તમે એક મહિલા છો અને સોલો ટ્રાવેલિંગના શોખીન છો તો જતા પહેલા કેટલીક વાતોને ખાસ જાણી લો. આજે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. છોકરીઓ આત્મનિર્ભર બની રહી છે. તેમની આત્મનિર્ભરતા માત્ર પૈસા કમાવા પુરતી સીમિત નથી
HD ન્યુઝ ડેસ્કઃ છેલ્લા ઘણા વર્ષોથી સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. હવે માત્ર પુરૂષો જ નહીં મહિલાઓ પણ સોલો ટ્રિપ પર જઈ રહી છે, પરંતુ સોલો ટ્રિપ કરવી સરળ નથી. જો તમે એક મહિલા છો અને સોલો ટ્રાવેલિંગના શોખીન છો તો જતા પહેલા કેટલીક વાતોને ખાસ જાણી લો. આજે સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. છોકરીઓ આત્મનિર્ભર બની રહી છે. તેમની આત્મનિર્ભરતા માત્ર પૈસા કમાવા પુરતી સીમિત નથી, આજે તેઓ માન્યતાઓ અને બંધનો પણ તોડી રહી છે. તેઓ માને છે કે સામાન્ય રીતે એ દરેક વસ્તુઓનો તેમને પણ હક છે જે સામાન્ય રીતે છોકરાઓના વર્ચસ્વ હેઠળ આવે છે. સોલો ટ્રાવેલિંગ પણ તેમાંથી એક છે. સોલો ટ્રાવેલિંગનો અર્થ છે ‘એકલા પ્રવાસ’ , જે ખૂબ જ રોમાંચક અનુભવ છે, પરંતુ છોકરાઓની સરખામણીમાં છોકરીઓ માટે ‘સોલો ટ્રાવેલિંગ’ કેટલું સુરક્ષિત છે? તે આ સિક્કાની બીજી બાજુ છે, ખાસ કરીને ભારતમાં.
સુરક્ષા છે સૌથી વધુ અગત્યની
ભારતમાં મહિલાઓ એકલા મુસાફરી નથી કરતી તેનું સૌથી મોટું કારણ અસુરક્ષા છે. ઘણી સ્ત્રીઓ એકલા મુસાફરી કરતાં અચકાય છે કારણ કે તેઓને સુરક્ષાનો ડર છે. તાજેતરમાં થયેલા સર્વેમાં એક રસપ્રદ બાબત સામે આવી કે 18 થી 24 વર્ષની વયની 347 મહિલા પ્રવાસીઓમાંથી 56 એ સલામતીના દૃષ્ટિકોણથી સોલો ટ્રાવેલિંગ માટે ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાનોની પસંદગી કરી હતી, નહીં કે રોમાંચક અને જોખમી મુસાફરીને. આ સંખ્યા કુલ સર્વેના 16 ટકા હતી. કેદારનાથ અને તિરુપતિએ મહિલાઓ માટે સિંગલ ટ્રાવેલના આધ્યાત્મિક સ્થળોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
સામાજિક દૃષ્ટિકોણ
ભારતીય સમાજમાં એકલી સ્ત્રી મુસાફરી કરે તેને હજુ લોકો સ્વીકારતા નથી. ઘણી વખત પરિવાર અને સમાજના સહયોગનો અભાવ પણ અવરોધ બની જાય છે. કારણ કે સમાજમાં એવું માનવામાં આવે છે કે મહિલાઓએ એકલી મુસાફરી ન કરવી જોઈએ. તેઓએ પરિવારના સભ્યો સાથે જ મુસાફરી કરવી જોઈએ. જોકે હવે સમય થોડે ઘણે અંશે ઘણી જગ્યાઓએ બદલાયો છે. સોલો ટ્રાવેલિંગથી મહિલાઓની ક્ષમતાઓ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
આર્થિક સ્વતંત્રતા અને સધ્ધરતા
આર્થિક સ્વતંત્રતા પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે. જે મહિલાઓ પાસે નાણાકીય સ્વતંત્રતા અને સધ્ધરતા હોય છે તેઓ સરળતાથી સોલો ટ્રાવેલિંગ કરી શકે છે કારણ કે મુસાફરી દરમિયાન ઘણા અણધાર્યા ખર્ચાઓ ઉભા થાય છે, જેમ કે કોઈ વધારાની ફી, નવી જગ્યાએ મુસાફરી કરવા માટે ટેક્સીનો ખર્ચ અથવા કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તેનો ખર્ચ. તેથી જ્યારે વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર હોય છે, ત્યારે જ તે સોલો ટ્રાવેલિંગનો નિર્ણય લઈ શકે છે.
યોગ્ય માહિતી અને સંસાધન
યોગ્ય માહિતી અને સંસાધનોની ઉપલબ્ધતા પણ સોલો ટ્રાવેલને અસર કરે છે. ઈન્ટરનેટ, ગાઈડ બુક્સ અને ટ્રાવેલ બ્લોગ્સ જેવા સંસાધનોની મદદથી સોલો ટ્રાવેલર તેમના ગંતવ્ય સ્થાન, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી શકે છે. મહિલાઓ ખરાબ પરિસ્થિતિઓમાં ઝડપથી પરેશાન થઈ જતી હોય છે, તેથી જ તેઓ એકલા પ્રવાસ પર જવાનું ટાળે છે, પરંતુ જો તમને પહેલેથી જ જે સ્થળે જવા ઈચ્છો છો તેની ભાષા, સંસ્કૃતિ, લોકો વિશે માહિતી હશે અને તેના વિશેનું થોડું માર્ગદર્શન હશે તો ત્યાં જવામાં સરળતા રહેશે.
મહિલા સોલો ટ્રાવેલર આટલું ખાસ ધ્યાન રાખે
- આરામદાયક કપડાનો મતલબ શોર્ટ્સ અને ટાઈટ ટોપ નથી. સોલો ટ્રાવેલિંગ દરમિયાન એવા કપડા પહેરવા યોગ્ય નથી. કમ્ફર્ટેબલ, કોટન કપડાં પહેરો.
- કેટલાક લોકો ફરે છે, પછી પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગે છે. આ બાબતોથી બચો. તમારી સોશિયલ મીડિયા પોસ્ટ તમને તકલીફમાં મુકી શકે છે.
- જો તમે એકલા મુસાફરી કરી રહ્યા હો તો હોમ સ્ટેનો ઉપયોગ કરો. તેનાથી તમને પર્સનલ ટચ મળશે
- પૈસા બચાવવાના ચક્કરમાં સસ્તો રુમ બુક ન કરો. આ વાત તમને મોંઘી પડી શકે છે. સુરક્ષા સાથે કોઈ સમજુતી કદી ન કરો.
- કોઈ મિત્ર કે પરિવારના સભ્યોને તમારી યાત્રાની જાણ કરતા રહો. ફ્લાઈટ, ટ્રેન કે બસ બુક કરતી વખતે એવા વિકલ્પોની પસંદગી કરો જે તમને દિવસ દરમિયાન ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે.
- સોલો ટ્રાવેલિંગમાં જવા ઈચ્છતી છોકરીઓ શાંત અને સુરક્ષિત સ્થળની પસંગી કરે. આકર્ષણનું કેન્દ્ર બનવાની કોશિશ ન કરે.
- એકલા રહેવાના બદલે ભીડમાં રહેવાની કોશિશ કરો, કંઈ પણ ગરબડ જેવું લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો.
- આજે સુરક્ષાના અઢળક ઉપકરણો છે, જે તમે પર્સમાં રાખી શકો છો. પેપર સ્પ્રે, નાનું ચપ્પુ વગેરે તમને સુરક્ષા કવચ પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ મોનસુન ટ્રાવેલ લવર્સ હોવ તો પહોંચી જાવ આ જગ્યાઓ પર, પાર્ટનર પણ થશે ખુશ