તમારી ત્વચા સેન્સિટિવ હોય તો અજમાવો આ પાંચ ઘરેલુ ઉપાય, દૂર થશે સમસ્યાઓ
સેન્સિટિવ સ્કિનની દેખભાળ કરવા માટે તમે આ લેખમાં જણાવેલ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.સેન્સિટિવ ત્વચાને વધારે દેખભાળની જરૂર હોય છે, એ વાત તો મોટાભાગના લોકો તો જાણતા જ હોય છે. ઘણા લોકો તો સેન્સિટિવ ત્વચાની દેખભાળ માટે મોંઘાં-મોંઘાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ આ મોંઘાં ઉત્પાદનો પણ જ્યારે ધાર્યું પરિણામ નથી આપતાં ત્યારે નિરાશા જ સાંપડે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, આપણા ઘરમાં જ રહેલ કેટલીક વસ્તુઓની મદદથી સેન્સિટિવ ત્વચાની દેખભાળ કરી શકાય છે. આ ઘરેલુ ઉપાયોથી ત્વચા પર કોઈપણ પ્રકારની એલર્જી કે બળતરા પણ નહીં થાય. આ રીતે ત્વચાની દેખભાળ કરવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થશે. તો ચાલો જાણીએ સેન્સિટિવ ત્વચાની દેખભાળ કરવા માટેના ઘરેલુ ઉપાયો વિશે.
નારિયેળનું તેલ : નારિયેળના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે. તેને ચહેરા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા અને દાણાની સમસ્યા પણ સરળતાથી દૂર થાય છે. ચહેરા પર નારિયેળ તેલ લગાવવા માટે એક-બે ટીંપાં નારિયેળ તેલ લો. હવે તેનાથી હળવા હાથે માલિશ કરો. આ તેલમાં રહેલ એન્ટી માઈક્રોબિયલ ગુણો ત્વચાને પોષણ આપી તેને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે.
એલોવેરા જેલ : એલોવેરા જેલ ત્વચાની ઘણી સમસ્યાઓને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. સેન્સિટિવ ત્વચાની દેખભાળ માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા જેલનો ઉપયોગ કરવા માટે કુંવારપાઠાનાં પાનમાંથી જેલ કાઢો અને સૂતાં પહેલાં તેને ચહેરા પર લગાવો. સવારે ઉઠો ત્યારે સામાન્ય પાણીથી ધોઈ લો. એલોવેરા જેલના ઉપયોગથી સોરાયસિસ અને સ્કિન ઈંફેક્શન થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
કેળુ : કેળુ સેન્સિટિવ ત્વચાની સમસ્યાઓને સરળતાથી દૂર કરે છે. ચહેરા પર તેનો ઉપયોગ કરવા માટે કેળાની છાલને પીસી લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેમાં રહેલ એન્ટીઑકિડેન્ટ્સ સેન્સિટિવ ત્વચાની દેખભાળ કરવાની સાથે-સાથે ત્વચાને ગ્લોઈંગ પણ બનાવે છે.
ગ્રીન ટી : ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. ગ્રીન ટીનો ઉપયોગ કરવા માટે થોડા પાણીમાં ગ્રીન ટી ઉકાળી લો. પાણી ઠંડુ થઈ જાય એટલે તેમાં એક-બે ચપટી મધ મિક્સ કરીને કોટનની મદદથી ચહેરા પર લગાવો. ગ્રીન ટીમાં રહેલ એન્ટી ઈંફ્લામેટરી ગુણ ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ખીરા કાકડી : ખીરા કાકડી ત્વચાને પોષણ આપવાની સાથે-સાથે સેન્સિટિવ ત્વચાની દેખભાળમાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે કાકડીને છીણી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. ખીરા કાકડીનો ઉપયોગ કરવાથી ત્વચાની બળતરા અને ખંજવાળ સરળતાથી દૂર થાય છે.
સેન્સિટિવ ત્વચાની દેખભાળ કરવા માટે આ ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આ ઉપાયોને ત્વચા પર અજમાવતાં પહેલાં એકવાર પેચ ટેસ્ટ ચોક્કસથી કરી લેવો જોઈએ.