ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કસાબના વખાણ કરવા હોય તો પાકિસ્તાન જાઓ: 26/11ની પીડિતાએ કોંગ્રેસની ઝાટકણી કાઢી

  • કોઈએ પણ આ રીતે ઘા પર મીઠું છાંટવું જોઈએ નહીં: દેવિકા રોટવાન

મુંબઈ, 7 મે: મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના કેસમાં આતંકવાદી અજમલ કસાબ(Ajmal Kasab) વિરુદ્ધ જુબાની આપનાર સૌથી નાની વયની સાક્ષી દેવિકા રોટવાન(Devika Rotawan)એ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના વડા હેમંત કરકરે(Hemant Karkare)ની શહીદી પર નિવેદન આપનારા કોંગ્રેસ નેતા વિજય વડટ્ટીવારનું નામ લીધા વિના સોમવારે કહ્યું કે, “કોઈએ પણ આ રીતે ‘ઘા પર મીઠું ભભરાવવું’ જોઈએ નહીં.” મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વડટ્ટીવારે દાવો કર્યો હતો કે, 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન કરકરેની હત્યા કસાબની ગોળીથી નહીં પરંતુ તેઓ એક પોલીસકર્મીની ગોળીના શિકાર બન્યા હતા, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા. વડટ્ટીવાર પર નિશાન સાધતા દેવિકાએ કહ્યું કે, તેઓ મતદાન સમયે આવા નિવેદનો આપી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “કોંગ્રેસના નેતાને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.”

 

કોંગ્રેસ નેતાએ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ઉજ્જવલ નિકમ પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી હતી. નિકમએ આતંકવાદી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ હતા. દેવિકાએ ‘પીટીઆઈ-ભાષા’ને કહ્યું હતું કે, “જો કસાબે 26 નવેમ્બરે ગોળી ચલાવી ન હતી, તો કોણે ચલાવી? કોઈ ક્યારેય તે આતંકવાદી હુમલાને ભૂલી શકશે નહીં. તમે અમારા ઘા પર મીઠું છાંટી રહ્યા છો. રાજનીતિ કરવી હોય તો બીજા વિષયો પર કરો પણ આના પર નહીં.” દેવિકા, તેના પિતા નટવરલાલ અને ભાઈ આકાશ સાથે 26 નવેમ્બર 2008ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) ખાતે ટ્રેનની રાહ જોઈ રહી હતી ત્યારે કસાબ અને તેના એક સહયોગીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

26/11 હુમલામાં દેવિકાને પગમાં ગોળી વાગી હતી

આ હુમલામાં દેવિકાને તેના જમણા પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેણીએ લાંબા સમય સુધી લાકડીના સહારે ચાલવું પડ્યું હતું. એટલું જ નહીં, કસાબના ટ્રાયલ દરમિયાન કોર્ટમાં જુબાની આપનારી દેવિકા સૌથી નાની વયની સાક્ષી બની હતી જેને લીધે આખરે આતંકવાદીને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેણીએ કહ્યું કે, “જો તે (વડટ્ટીવાર) પાકિસ્તાનને સમર્થન આપવા માંગે છે તો તેઓ ભારતમાં શું કરી રહ્યા છે?, નિકમ સામેના આરોપો ખોટા છે કારણ કે વકીલે દેશ માટે ઘણું કર્યું અને કસાબને ફાંસી અપાવવામાં મદદ કરી છે.”

મતદાન સમયે આવાં નિવેદનો આપવા એ ખોટું: દેવિકા

વડટ્ટીવાર પર નિશાન સાધતા દેવિકાએ કહ્યું કે, “તે મતદાન સમયે આવા નિવેદનો આપી રહી છે. કોંગ્રેસના નેતાને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.” કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા દેવિકાએ કહ્યું કે, “નિકમે ન તો દેશને જૂઠું બોલ્યું છે કે ન તો દેશ સાથે દગો કર્યો છે. જો તમારે કસાબના વખાણ કરવા હોય તો પાકિસ્તાન જાઓ.”

આ પણ જુઓ: મારા વિરુદ્ધ તો એક આંતરરાષ્ટ્રીય ચૅનલ પણ અભિયાન ચલાવે છેઃ સુરેશ ચવાણકે

Back to top button