રાહુલ ગાંધીને મળવા માટે 10 કિલો વજન ઘટાડવું પડે: કોંગ્રેસ નેતા ઝીશાન સિદ્દીકીનો આક્ષેપ
- કોંગ્રેસના પૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવાયા
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી: કોંગ્રેસના પૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ગુરુવારે ઝીશાને દાવો કર્યો હતો કે “મહારાષ્ટ્રના નાંદેડમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના નજીકના લોકોએ તેમને કહ્યું કે જો તમારે તેમને મળવું હોય તો તમારે 10 કિલો વજન ઘટાડવું પડશે.” કોંગ્રેસ પર ઝીશાન સિદ્દીદીના આરોપો અહીં પૂરા થતા નથી. 31 વર્ષીય સિદ્દીકીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસમાં લઘુમતી નેતાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે પાર્ટી પર ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક અભિગમ રાખવાનો આરોપ લગાવ્યો છે.
ઝીશાન સિદ્દીકીએ આક્ષેપો કરતાં શું કહ્યું ?
ઝીશાન સિદ્દીકીએ દાવો કર્યો કે, “કોંગ્રેસમાં લઘુમતી નેતાઓ અને કાર્યકરો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ અને મુંબઈ યુથ કોંગ્રેસમાં સાંપ્રદાયિકતાનું સ્તર અન્ય સ્થાન કરતા અલગ છે. શું કોંગ્રેસમાં મુસ્લિમ હોવું પાપ છે? પાર્ટીએ જવાબ આપવો પડશે કે મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે? શું હું મુસ્લિમ છું એટલા માટે આવું થઈ રહ્યું છે?
ઉલ્લેખનીય છે કે, બુધવારે ઝીશાન સિદ્દીકીને મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે, “ચૂંટણીમાં 90 ટકા વોટ મળ્યા બાદ પણ પાર્ટીને આ કાર્યભાર આપવામાં 9 મહિનાનો સમય લાગ્યો હતો.” ઝીશાન સિદ્દીકીએ આક્ષેપ કર્યો હતો કે, “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પાર્ટીમાં સંપૂર્ણ સ્વતંત્રતા સાથે પોતાની જવાબદારીઓ નિભાવી શકતા નથી.”
આ પણ જુઓ: કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું હતુંઃ PM મોદી