જો તમે આ છ બાબતોનું ધ્યાન રાખો છો તો નહી કરી શકે હેકરો તમારું કોઈ પણ એકાઉન્ટ હેક
સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની ઘટનાના કારણે અનેક લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કેમકે હેકર દ્વારા તમારા એકાઉન્ટને હેક કર્યા બાદ તેનો દુરુપયોગ કરવામાં આવે છે. કેટલાક હેકરતો લોકો પાસે પૈસા પડાવવા માટે અનેક રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ અવાર-નવાર હેક કરતા હોય છે. ત્યારે તમારે તમારુ સોશિયલ મીડિયા સુરક્ષિત રાખવા માટે આ મહત્વની છ બાબતો ધ્યારે રાખવી ખુબજ જરુરી છે. આવો જાણીએ કઈ છે એ બાબતો…
- સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત રાખવાની મુખ્ય છ બાબતો
1. કુતૂહલ પમાડે અને અરાજકતા ફેલાવે તેવી કોઈ પણ લિંકથી દુર રહો:
કુતૂહલ પમાડે અને અરાજકતા ફેલાવે એવી તમામ લિંકથી દરેક સોશિયલ મીડિયા યૂઝર્સે દૂર રહેવું જોઈએ, કારણ કે તેના ઉપર ક્લિક કરવાથી તમે એક ફિશિંગ વેબપેજ કે વેબસાઈટ ઉપર જતા રહો છો. જે તમને તમારા સોશિયલ મીડિયા લોગીન પેજ જેવું જ લાગે છે પરંતુ ખરા અર્થમાં તે લોગિન પેજ હોતું જ નથી એક બનાવટી વેબપેજ હોય છે. બનાવટી વેબપેજને ઓળખવા બહુ જ સરળ છે તેમના યુઆરએલ કાં તો શોર્ટ લિંકથી તૈયાર કરેલા અથવા કોઈક અલગ નામથી જ બનેલા હોય છે. પરિણામે આવા બનાવટી પેજ પર તમારે તમારા યૂઝર્સ આઇડી અને પાસવર્ડની માહિતી દાખલ કરવાથી બચવું જોઈએ.
2. મજબૂત પાસવર્ડ પસંદ કરો અને સમયાંતરે તેને બદલતા રહો:
સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત કરવા મજબૂત પાસવર્ડમાં સામાન્ય રીતે સંખ્યાઓ, ચિહ્નો અને કેપિટલ-સ્મોલ અક્ષરોનો સમાવેશ કરવો જ જોઇએ. તેમજ પાસવર્ડની લેન્થ પણ ૧૦થી ૧૫ સુધીની હોવી જોઈએ, પરંતુ સાથે એ પણ ખાતરી કરો કે પાસવર્ડ એટલો તો જટિલ નથીને કે તમે તેને યાદ ન રાખી શકો. દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે નિશ્ચિત સમયાંતરે પાસવર્ડ બદલવાની સોનેરી સલાહ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આપવામાં આવે છે. જો નિશ્ચિત સમયાંતરે પાસવર્ડ ન બદલી શકાય તો દર છ મહિનામાં એક વખત તો પાસવર્ડ બદલવો જ જોઈએ.
3. ટુ ફેક્ટર કે મલ્ટિ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો:
સોશિયલ મીડિયા તેમજ ઈ-મેઇલ એકાઉન્ટને સુરક્ષિત રાખવાનો સૌથી મહત્ત્વનો અને શ્રેષ્ઠ રસ્તો જો કોઈ અત્યારના સમયમાં હોય તો તે ટુ ફેક્ટર કે મલ્ટિ ફેક્ટર ઓથેન્ટિકેશનને એક્ટિવેટ કરવાનું છે. જ્યારે પણ કોઈ ત્રાહિત વ્યક્તિ નવી ડિવાઈસ પરથી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે મુખ્ય એકાઉન્ટ હોલ્ડરને સોશિયલ મીડિયા કંપનીના સર્વર પરથી એસ.એમ.એસ અથવા ઈ-મેલ દ્વારા એક પિન મોકલવામાં છે અને એકાઉન્ટમાં દાખલ થવા માટે તે પિન દાખલ કરવું જરૂરી બને છે અને ત્રાહિત વ્યક્તિ પાસે એકાઉન્ટ હોલ્ડરના ઇ-મેલ અને એસ.એમ.એસ સુધીની પહોંચ હોતી નથી. પરિણામે એકાઉન્ટ સલામત રહે છે. આમ આ પતિત સોશિયલ મીડિયા એકાઉન્ટના ચોરી થયેલા પાસવર્ડની સામે પણ રક્ષણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 2022ના અકસ્માતનો ડરામણો આંકડો, એક મહિનામાં 1531 બનાવ
4. તમારી અંગત માહિતી પબ્લિક ન કરો:
સોશિયલ મીડિયા યૂઝર્સ ઘણીવાર ભૂલી જાય છે કે તેમના યૂઝરનેમ, ઈ-મેલ અને પાસવર્ડ ઇન્ટરનેટ પર એક નાનકડી ભૂલને લીધે ખૂબ જ સરળતાથી પબ્લિક ડોમેઈનમાં ચાલ્યા જાય છે. ઇન્ટરનેટ પર તમારી માહિતી પબ્લિક ડોમેઈનમાં ન આવે તે માટે લોગીન એકાઉન્ટ્સમાંથી સાઇન આઉટ થવું અત્યંત જરૂરી છે. સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પછી એપ્લિકેશનોને આપવામાં આવેલી પરવાનગીઓ ડિસેબલ કરવી જોઈએ. ફરી વાર લોગિન થતી વેળાએ હંમેશાં એ બાબતનું ધ્યાન રાખવું કે પાસવર્ડને ક્યારેય કોપી અને પેસ્ટ ન કરવો જોઈએ, માત્ર દાખલ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
5. સોશિચલ મીડિયા માટે નવું ઈ-મેલ:
જો વ્યવસાયના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટેના અને અન્ય ક્લાયન્ટ સાથેના વ્યવહારમાં જો એક જ ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા હેકર્સ ઈ-મેલ એકાઉન્ટ સુધી પોતાનો કન્ટ્રોલ મેળવી શકે છે. જેનાથી વ્યવસાયની અતિ અગત્યની માહિતી ખાનગી ન રહેતા પબ્લિક ડોમેઈનમાં આવી જાય છે અને જેનાથી કોઈ પણ કંપની અને વ્યવસાયકારને ખૂબ જ નુકસાન થઈ શકે છે. પરિણામે તમામ સોશિયલ મીડિયા કંપનીઓ સુરક્ષા હેઠળ એ સલાહ આપતી હોય છે કે સોશિયલ મીડિયા માટે અને અન્ય વ્યવસાયને લગતા વ્યવહારો માટે અલાયદું જ ઈ-મેલ સરનામું હોવું અતિ આવશ્યક છે.
6. પબ્લિક વાઈ-ફાઈથી હંમેશાં સાવચેત રહો:
પબ્લિક વાઈ-ફાઈ અને વાયરલેસ નેટવર્ક્સ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખો. જેમ કે, રેસ્ટોરાં, લાઈબ્રેરીઓ, એરપોર્ટસ અને બિઝનેસનાં અન્ય સ્થળો પર, આવાં જાહેર સ્થળોએ વાઈ-ફાઈ કનેક્શન્સમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે સુરક્ષાનો અભાવ હોય છે અને સાઈબર ગુનેગારો આ જ ખામીનો ક્ષયદો ઉઠાવીને આવા નેટવર્કમાં જોડાનાર યૂઝર્સને સરળતાથી પોતાનો શિકાર બનાવી શકે છે, કારણ કે તેઓ એક જ નેટવર્કમાં એકબીજા સાથે જોડાયેલા છે. આમ, પબ્લિક એરિયામાં હંમેશાં માત્ર ને માત્ર પોતાના મોબાઈલના ડેટા ક્નેક્શનનો જ ઉપયોગ કરવો વધુ હિતાવહ અને સલામત છે.
આ પણ વાંચો: સેલ્ફી લેવા આવેલા ફેનને કરીના કપૂરે કરી નજર અંદાજ, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ