જો હવે જાહેર રોડ પર ઠૂમકા મારી રીલ્સ બનાવી તો ગયા સમજો, પોલીસ કરશે કાર્યવાહી
પોલીસે કરી લાલ આંખ: ઓવરસ્પીડ, સ્ટંટ આ ઉપરાંત જાહેર રોડ પર જો રીલ્સ બનાવનાર વિરુદ્ધ પોલીસ કરશે કાર્યવાહી.
અમદાવાદ: સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવાની જાણે રેસ લાગી રહી હોય તે રીતે યુવાઓ અવનવી રીલ્સ બનાવી રહ્યા છે. જેમાં કેટલાક યંગસ્ટર સમાજને ઉપયોગી નીવડે તેવી રીલ્સ બનાવે છે જ્યારે કેટલાક યુવાઓ પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે રીલ્સ બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાનું ઘેલું યુવાઓને એટલી હદે લાગી ગયું છે કે તે કોઇ પણ ભોગે રાતોરાત છવાઇ જવા માગે છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ હવે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રોડ પર ઠૂમકા મારીને રીલ્સ બનાવનાર યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર ગરબા, ડાન્સ, તેમજ એક્ટિંગ કરવાથી અકસ્માતનો ગંભીર ખતરો રહેલો છે જેના કારણે હવે પોલીસે લાલ આંખ કરી છે.
કેમ જાહેર રસ્તાઓ પર રીલ્સ બનાવનારમાં વધારો થયો?
રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં લાઇક્સ અને કોમેન્ટ મેળવવી ફેમસ થવાનો શોખ હોય છે. સોશિયલ મીડિયામાં હૃદયના ધબકારા ચૂકી જાય તેવા વીડિયો કે પછી કોઇપણ વિવાદાસ્પદ કન્ટેન્ટ હોય તેવા વીડિયો લોકો વધારે જોવાનું પસંદ કરે છે. જેના કારણે જેના કારણે લોકો જાહેર જગ્યા પર રિલ્સ વધુ બનાવે છે.
પોલીસ એક્શન મોડમાં, કરશે હવે કાયદેસરની કાર્યવાહી
વાહનો પર ઊભા રહીને સ્ટંટ કરનાર તેમજ પુરઝડપે વાહનો હંકારતા નબીરા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. થોડા દિવસ પહેલા ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રસ્તાને પોતાની જાગીર સમજીને વાહનો હંકારતા લોકો વિરુદ્ધ પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે. પોલીસ જ્યારે એક્શન મોડ પર આવી ગઇ છે ત્યારે હવે રોડ પર ઠૂમકા મારતા યુવાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે.
અકસ્માતોનો વધારો:
ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું છે કે જાહેર રોડ પર ગરબા, ડાન્સ કરીને રીલ્સ બનાવતા યુવાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધ થવા માટે કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને જાહેર રોડ પર રીલ્સ બનાવતા હોય છે. આવા રીલ્સ બનાવનાર અને યુટ્યૂબર્સના કારણે ગંભીર અકસ્માતનો ખતરો રહે છે આ સિવાય વાહન વ્યવહાર પણ અવરોધાય છે. હવે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
નજરે ચડ્યા તો ખેર નહીં!
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હશે ત્યારે જો કોઇ રોડ પર રીલ્સ બનાવતા યુવાઓ મળી જશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ યંગસ્ટર રીલ્સ બનાવવામાં સફળ થઇ જાય અને બાદમાં તેઓ સોશિયલ મીડિયા પર અપલોડ કરશે તો પણ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો ટુ વ્હીલર પર ઊભા રહીને સ્ટંટ કરતા યુવાનો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: એક્ટીવા પર સ્ટંટ કરતો વિડિયો વાયરલ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક્સન મોડમાં