ખુશનુમા મોસમ પસંદ હોય તો દેશની આ જગ્યાઓને કરો એક્સ્પ્લોર
- ખુશનુમા મોસમ જો તમને પણ પસંદ હોય, વરસાદની સીઝન જો તમારું પણ મન મોહી લેતી હોય, ચોમાસામાં ફરવાને એન્જોય કરતા હોવ તો આ જગ્યાઓમાંથી કોઈક ચોક્કસ ટ્રાય કરો
HD ન્યુઝ ડેસ્કઃ ભારતમાં વરસાદની સીઝન ખરેખર મજાની હોય છે. આ દરમિયાન ઠંડા પવનો વચ્ચે વરસાદના ટીપાં મનને એક અલગ જ શાંતિ આપે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ધોધમાંથી પડતું પાણી, તેની ઉપર ડોકાતાં વાદળો અને સૂર્યપ્રકાશમાં નહાતા દરિયાકિનારા ખૂબ આકર્ષક લાગે છે. જો તમે પણ આવા જ વાતાવરણનો આનંદ માણવા માંગો છો, તો તમે ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ચેરાપુંજી
મેઘાલયમાં સ્થિત ચેરાપુંજીમાં આખું વર્ષ વરસાદ પડતો હોવા છતાં, અહીંનું હવામાન જુલાઈથી ઓક્ટોબર સુધી વધુ ખુશનુમા બની જાય છે. ઠંડા પવનો અને વરસાદ વચ્ચે અહીં ગરમાગરમ ચાની ચૂસકી લેવાનો અનુભવ એક અલગ આનંદ આપે છે. ચેરાપુંજી તેના આકર્ષક ધોધ, વૃક્ષો, પુલ અને ગુફાઓને કારણે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીંનો નોહકાલિકાઈ ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તેની ઊંચાઈ 1,115 ફૂટ (340 મીટર) છે.
લોનાવાલા
લોનાવાલા ભારતનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે. વરસાદની સીઝનમાં અહીં ફરવા માટે ઘણા સ્થળો છે. ટાઈગર પોઈન્ટથી આખા શહેરનો નજારો જોઈ શકાય છે. પાણીથી ભરેલું તુંગરલી તળાવ અને તેમાં વિહરતા પક્ષીઓ શાંતિનો અહેસાસ કરાવે છે. પાણીના ટીપાંથી ઢંકાયેલો ટિકોના કિલ્લો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. પહાડો પર મંડરાતા વાદળો તેમજ ચારે બાજુ ફેલાયેલી હરિયાળી હૃદયને ખુશ કરે છે. મહારાષ્ટ્રનું આ સુંદર સ્થળ પુણેથી 66 કિમી દૂર છે. જ્યાં રોડ માર્ગે જઈ શકાય છે.
માઉન્ટ આબુ
પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ચર્ચિત માઉન્ટ આબુ રાજસ્થાનના રણ પર આવેલું છે. અહીં પહાડોથી ઘેરાયેલું તળાવ સહેલાણીઓને ખૂબ આકર્ષિત કરે છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી જાય છે. તેઓ અહીંના પહાડો, તળાવો ઉપરાંત દેલવાડાના દેરા, નક્કી લેક, ટોડ રોક સહિત અન્ય પર્યટન સ્થળો પર ફરે છે.
વાયનાડ
વાયનાડને કેરળનું સ્વર્ગ કહેવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જેઓ લીલાછમ ચાના બગીચા અને ટેકરીઓથી આકર્ષાય છે. વાયનાડમાં ત્રણ દિવસીય મોનસૂન ફેસ્ટિવલ (સ્પ્લેશ) પણ ઉજવવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો ટ્રેકિંગ માટે પણ આવે છે. વાયનાડની પહાડીઓમાં ઘણી બધી ગુફાઓ પ્રાચીન છે. અહીં પક્ષીઓ, પ્રાણીઓ અને છોડની વિવિધતા જોવા મળે છે.
દાર્જિલિંગ
દાર્જિલિંગ ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. તે બાંગ્લાદેશની સરહદ પર પશ્ચિમ બંગાળમાં 2,050 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. સુંદર હવામાનની વચ્ચે, વિશાળ ચાના બગીચા, ફરતી ટેકરીઓ અને ઠંડી પવન ઘણી શાંતિ પ્રદાન કરે છે. તમે લીલીછમ ખીણોમાં ટોય ટ્રેનનો આનંદ પણ લઈ શકો છો. દાર્જિલિંગની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
કુર્ગ
કુર્ગ દક્ષિણ ભારતનું એક સુંદર સ્થળ છે. જ્યાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેવા આવે છે. કુર્ગ હિલ્સ સ્ટેશન કર્ણાટકમાં છે, જે તેની સુંદર ખીણો માટે જાણીતું છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવાદીઓને ખૂબ જ પસંદ આવે છે. વરસાદની ઋતુમાં અહીં ગાઢ જંગલો વચ્ચેનો નજારો ખૂબ જ આકર્ષક હોય છે.
ઉદયપુર
આકર્ષક મહેલો, બજારો અને સુંદર તળાવો સાથે રાજસ્થાનનું આ શહેર તમને રોયલ અનુભવ કરાવે છે. ઉદયપુરને લેક સિટી કહેવામાં આવે છે. અહીં પ્રાચીન તળાવ અને પ્રાચીન મહેલોની આસપાસ હરિયાળી છે, જે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો વધુ આકર્ષક બની જાય છે.
અગુમ્બે
અગુમ્બેને દક્ષિણ ભારતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. અહીં પણ ખૂબ વરસાદ પડે છે. જેના કારણે સર્વત્ર હરિયાળી છવાયેલી રહે છે. જે પ્રવાસીઓને વારંવાર અહીં આવવા મજબૂર કરે છે. કર્ણાટકનું અગુમ્બે વન સંરક્ષણના પ્રયાસો, ઔષધીય વનસ્પતિઓની ડોક્યુમેન્ટ્રી, ટ્રેકિંગ, ફોટોગ્રાફી અને કુટીર ઉદ્યોગોના પ્રચાર માટે પણ જાણીતું છે. વરસાદની સીઝનમાં અહીંનો નજારો ખૂબ જ સુંદર લાગે છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં આ પાંચ જગ્યાઓ કરો એક્સપ્લોર, ટૂર બનશે યાદગાર