ઋષિકેશ જાવ તો જરૂર ફરજો આ પાંચ જગ્યા, નહીંતર અધૂરી કહેવાશે ટ્રિપ
- રાજધાની દિલ્હીથી સાડા ચાર કલાકના અંતરે આવેલું ઋષિકેશ પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ આકર્ષે છે. હિમાલયની ગોદમાં વસેલું ઋષિકેશ ઉત્તરાખંડનું એક ધાર્મિક શહેર છે.
ઋષિકેશને વિશ્વની ‘યોગની રાજધાની’ કહેવામાં આવે છે, અહીં તમને પ્રકૃતિના ખોળામાં વસેલા ઘણા આશ્રમો અને યોગ સેન્ટર્સ મળી જશે. રાજધાની દિલ્હીથી સાડા ચાર કલાકના અંતરે આવેલું ઋષિકેશ પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ જ આકર્ષે છે. હિમાલયની ગોદમાં વસેલું ઋષિકેશ ઉત્તરાખંડનું એક ધાર્મિક શહેર છે. જો તમે ઋષિકેશ જવાનું વિચારી રહ્યા છો તો ત્યાંની કેટલીક ખાસ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં. ઉત્તરાખંડમાં આવેલું ઋષિકેશ અત્યંત સુંદર પર્યટન સ્થળ છે, અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં તમારે જવું જોઈએ. જો તમે ઋષિકેશની ટ્રિપ પ્લાન કરી રહ્યા હો તો આ પાંચ જગ્યાઓ પર જવાનું ન ચૂકશો.
ત્રિવેણી ઘાટ
ત્રિવેણી ઘાટ એ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે, જ્યાં દરરોજ સાંજે ‘મહા આરતી’ થાય છે. તેને જોવા માટે સાંજે ત્રિવેણી ઘાટ પર હજારો લોકો એકઠા થાય છે. એવું માનવામાં આવે છે કે ત્રિવેણી ઘાટમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને મન શુદ્ધ બને છે.
રાજાજી નેશનલ પાર્ક
આ પાર્કનું નામ સી રાજગોપાલાચારીના નામ પરથી રાજાજી નેશનલ પાર્ક રાખવામાં આવ્યું છે. આ ઉત્તરાખંડનું બીજુ ટાઈગર રિઝર્વ છે, જ્યાં તમે વાઈલ્ડલાઈફ સફારીનો આનંદ લઈ શકો છો
રામ ઝુલા
ઋષિકેશનું રામ ઝુલા સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. 450 ફૂટ લાંબો રામ ઝુલા ગંગા નદી પર સ્થિત છે. વર્ષ 1986માં પીડબલ્યુડી દ્વારા આ ઝૂલો બનાવાયો હતો.
બીટલ્સ આશ્રમ (ચૌરાસી કુટિયા)
તમે અહીં જઈને યોગ – ધ્યાન કરી શકો છો. રાજાજી જંગલ વિસ્તારમાં આવેલો આ બીટલ્સ આશ્રમ પહોંચવા માટે તમારે રામ ઝુલાથી માત્ર 5 મિનિટ ડ્રાઈવ કરવું પડશે. આ આશ્રમને બીટલ્સ આશ્રમ એટલે કહેવામાં આવે છે કારણ કે બીટલ્સ બેન્ડ 1968માં થોડો સમય અહીં રોકાયો હતો અને ઘણા ગીતો લખ્યા હતા. ચોરાસી કુટિયા આશ્રમના પરિસરમાં એક જૂનું મંદિર, પુસ્તકાલય, ફૂડ કોર્ટ અને મહર્ષિ યોગીનું ઘર છે. અહીં ઘણી ઝૂંપડીઓ છે જ્યાં તમે ધ્યાન કરી શકો છો.
નીરગઢ વોટરફોલ
પહાડી ખીણોમાં આવેલો નીરગઢ વોટરફોલ ઋષિકેશમાં છુપાયેલો એક ખજાનો છે. એડવેન્ચર લવર્સ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે નીરગઢ વોટરફોલ ખૂબ જ સારી જગ્યા છે. તે લક્ષ્મણ ઝુલાથી પાંચ કિમીના અંતરે છે. અહીં પર્વત પરથી એક સાથે ત્રણ ધોધ પડે છે જે ખૂબ જ મનોહર દૃશ્ય બનાવે છે. આ સ્થળો ઉપરાંત, તમે ઋષિકેશમાં કુંજાપુરી ટેમ્પલ ટ્રેકિંગ, જમ્પિંગ હાઇટ્સ, શિવપુરી જેવા સ્થળોએ પણ ફરી શકો છો.
આ પણવાંચોઃ એક જ ઘરમાં 350 મતદાર? આવું કદી જોયું-સાંભળ્યું નહીં હોય, જાણો અહીં આશ્ચર્યજનક પરિવાર વિશે