અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ક્રેડિટ કાર્ડ ધારકો બેંકના નામે કોલ આવે તો ચેતજો, મેસેજમાં લિંક કે ફાઈલ આવે તો ઓપન કરતા નહીં

  • હાલના સમયમાં બેંક ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે
  • ક્રેડિટ કાર્ડ ધારકોને ઠગબાજો બેંકના નામે કોલ કરીને છેતરી રહ્યાં છે

અમદાવાદ, 17 ઓગસ્ટ 2024 ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે.આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની ટ્રેપમાં ફસાઈ ગયા હતા તેવા લોકોને રાહત મળશે. બીજી તરફ દિવસે દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. લોકોને ફોન પર કે મેસેજ કરીને છેતરવામાં આવી રહ્યાં છે.

ફાઈલ ખોલતાની સાથે જ તેના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે
હાલના સમયમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે. વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વચ્ચે સાયબર ક્રાઇમના ગુનામાં દિવસે દિવસે વધારો થતાં જોવા મળી રહ્યો છે. સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન 1930 પર માત્ર પાંચ મહિનાના સમયગાળામાં જ 53000 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. રાજ્યમાં લોકોને બેન્કના નામે કોલ આવી રહ્યાં છે. આ કોલમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ શેર કરવામાં આવે છે. ત્યાર બાદ કાર્ડની લિમિટ અને મર્ચન્ટ પેમેન્ટ સહિતના મુદ્દાઓ પર વાત કરે છે. જેમાં ચાર્જ ભરવાની વાત હોય છે. જો આ ચાર્જ ના ભરવો હોય તો ખાતા ધારકને મેસેજથી એક APK ફાઈલ મોકલવામાં આવે છે. ખાતા ધારક દ્વારા આ ફાઈલ ખોલતાની સાથે જ તેના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.

ઠગો પાસે ગ્રાહકોની સંપૂર્ણ ડીટેલ કેવી રીતે પહોંચી જાય છે?
આ પ્રકારે અનેક લોકો સાથે ઠગાઈ થઈ રહી છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ધારકો સાથે આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ બને છે.બેંકમાં ખાતુ ધરાવનારની તમામ ડીટેલ સુરક્ષિત હોવાનો બેંક દાવો કરે છે તો આવા ઠગો પાસે ગ્રાહકોની સંપૂર્ણ ડીટેલ કેવી રીતે પહોંચી જાય છે એ સૌથી વધુ ચર્ચાઈ રહેલો સવાલ છે. બેંકના નામે કોલ આવતા લોકો તેને સાચો કોલ માની લે છે અને સામે વાળાની ચૂંગાલમાં ફસાઈ જાય છે. આ પ્રકારના કોલ આવે તો ચેતવું જરૂરી છે. તેની સાથે ડરવાની કોઈ જરૂર નથી. પોતાની બેંકનો સંપર્ક કરીને તમે કોલ કરનાર તરફથી મળેલી બાબતોને જાણી શકો છો અને પોલીસનો સંપર્ક કરીને કોલ કરનાર સામે કાર્યવાહી પણ કરાવી શકો છો.

આ પણ વાંચોઃઅમદાવાદની લોટસ સ્કૂલને તાળા વાગ્યા, લોન નહીં ભરતાં બેંકે કાર્યવાહી કરી

Back to top button