‘જો તમે અનુબ્રત મંડલને નહીં છોડો તો …. ‘ સીબીઆઇ જજને TMC નેતાની ધરપકડ મામલે મળી ધમકી
પશ્ચિમ બંગાળમાં પશુ દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલા TMC નેતા અનુબ્રત મંડલની મુક્તિની સ્પેશિયલ જજને ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો અનુબ્રત મંડલને આ કેસમાં જામીન આપવામાં નહીં આવે તો તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. સ્પેશિયલ જજ વતી ફરિયાદ કરવામાં આવી છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
NDPS કેસમાં ફસાવી દેવાના નામે એક પત્ર મળ્યો
આ અંગે મળતી વિગતો અનુસાર રાજેશ ચક્રવર્તી નામના જજને બપ્પા ચેટર્જી નામના વ્યક્તિનો પત્ર મળ્યો છે. તે પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો અનુબ્રત મંડલને જામીન આપવામાં નહીં આવે તો તેના પરિવારને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કેટલાક કેસમાં ફસાવવામાં આવશે. પત્રમાં લખ્યું છે કે તમને આદેશ આપવામાં આવે છે કે TMC નેતા અનુબ્રત મંડલને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારા પરિવાર વિરુદ્ધ NDPS હેઠળ કેસ નોંધવામાં આવશે. તમારી જાણકારી માટે આ વાત તમને પહેલેથી જ કહેવામાં આવી છે. પરંતુ બપ્પા ચેટર્જીએ આ પત્રથી પોતાને દૂર રાખ્યા છે. તેમના કહેવા પ્રમાણે, તેમને આવા કોઈ પત્રની જાણ નથી. આ બધું તેને ફસાવવા, તેની ઈમેજ ખરાબ કરવા માટે કરવામાં આવ્યું છે.
શું છે આ સમગ્ર કેસ ? અગાઉ પૂર્વ બીએસએફ કમાન્ડરની ધરપકડમાં શું ખૂલાસો થયો હતો ?
જો આ કેસ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે તો અનુબ્રત મંડલની જે કેસમાં ધરપકડ કરવામાં આવી છે તે ગેરકાયદેસર પશુઓની તસ્કરી સાથે સંબંધિત છે. વર્ષ 2020માં સીબીઆઈ દ્વારા પૂર્વ બીએસએફ કમાન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ જ આ મામલાના તાર અનુબ્રત મંડલ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ વર્ષે 11 ઓગસ્ટના રોજ સીબીઆઈએ તપાસનો વિસ્તાર કરતા TMCના જિલ્લા પ્રમુખ અનુબ્રત મંડલની ધરપકડ કરી હતી.
ભાજપના ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો
આ ધમકીભર્યા પત્ર બાદ ભાજપ ફરી ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. આરોપ છે કે અનુબ્રતની ધરપકડ બાદ પણ મમતા સતત તેનો બચાવ કરી રહી હતી. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું છે કે CBI જજને ધમકીભર્યો પત્ર મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જો અનુબ્રતને છોડવામાં નહીં આવે તો જજના પરિવારને નકલી કેસમાં ફસાવી દેવામાં આવશે. મમતા હાલમાં આ નેતાનો બચાવ કરી રહી છે, તેની ધરપકડ બાદ પણ તેને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.