

ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે, તેમાં પણ દીવ-દમણની મુલાકાત તેઓ અવારનવાર લેતા હોય છે. જેનું કારણ છે ગુજરાતની દારૂબંધી. જો કે આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો મોટો વર્ગ દારૂ પીવા દીવ જતો હોય છે. જો કે આજથી ત્રણ દિવસ માટે દીવ જશો તો કોઈ કેન્દ્રશાસિત પ્રદેશમાં નહીં પરંતુ ગુજરાતમાં ફરતા હોય તેવી જ અનુભૂતિ થશે, તેનું કારણ છે દીવમાં દારુબંધી. જી હાં… દીવમાં ત્રણ દિવસ માટે દારૂબંધી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ચૂંટણીને કારણે 3 દિવસ દારૂ નહીં મળે
દીવમાં આજથી એટલે કે 5 જુલાઈથી 8 જુલાઈ સુધી દારૂબંધી લાગુ કરવામા આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણીને લઈને આ પ્રતિબંધ મૂકાયો છે. એટલે કે આ ત્રણ દિવસોમાં દીવમાં દારૂ નહીં વેચી શકાય. તમામ લીકર શોપ અને બાર બંધ રાખવામા આવશે. દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે. ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દીવમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન હંમેશા દારૂબંધી લાગુ કરવામાં આવતી હોય છે, જેનુ દીવના નાગરિકો દ્વારા ફરજિયાતપણે પાલન કરવામાં આવે છે.

13 વોર્ડમાં મતદાન
દીવ નાગરપાલિકાની ચૂંટણી પર એક નજર કરીએ તો, 13 વોર્ડ ચૂંટણી થશે. જેમાં કુલ 19443 જેટલા મતદારો વોટ કરશે. 7મી જુલાઇએ મતદાન યોજાશે અને 9 જુલાઈએ પરિણામ આવશે.