ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીસંવાદનો હેલ્લારો

ચાલો ફરવાઃ જો તમે ઉનાળા વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો જાણી લો આ 8 જગ્યા વિશે…

અમદાવાદઃ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. એવું લાગે છે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય. તો આવી સ્થિતીમાં લોકો વિચારે કે, તે કોઈ એવી જગ્યાએ જાય કે જ્યાં તેને ગરમીથી રાહત મળી શકે. તો બીજી તરફ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને ઉનાળાના વેકેશનમાં લોકો પરિવાર સાથે ફરવા જવાનું પ્લાન કરતા હોય છે અને જો આ વર્ષે તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હોય તો કુદરતના ખોળે આવેલી આ આઠ જગ્યા વિશે જાણી લો…

તીર્થન વેલી:
તીર્થન વેલી વિશે ઘણા લોકો હજુ જાણતાં નથી અને કદાચ નામ પણ સાંભળ્યું ના હોય એવું બની શકે છે. તીર્થન વેલી એ હિમાચલ પ્રદેશના કુલ્લૂ ડિસ્ટ્રિક્ટમાં સમુદ્રતટથી 1600 મીટરની ઉંચાઈ પર તીર્થન નદીના કિનારે આવેલું છે. જે ગ્રેટ હિમાલાય નેશનલ પાર્કથી નજીકમાં જ આવેલું છે. આ ઘાટી પોતાની સુંદરતા માટે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં પ્રખ્યાત છે. તીર્થન ઘાટીને ‘Himachal best kept secret’ પણ કહેવામાં આવે છે. આ જગ્યા પર સામાન્ય રીતે 10 ડિગ્રી થી 25 ડિગ્રી તાપમાન રહેતું હોય છે. તમે આ જગ્યા પર રિવર ક્રોસિંગ, ટ્રેકિંગ, રોક ક્લાઈમિંગ વગેરે એક્ટિવિટી કરી શકો છો. અહીં તમને સફરજનના બગીચા જોવા મળશે. હરિયાળા જંગલોની વચ્ચે તમને અપાર શાંતિનો અનુભવ થશે. શિયાળામાં અહીં અત્યંત ઠંડી પડે છે, માટે અહીં જવાનો પરફેક્ટ સમય છે ઉનાળો.

તીર્થન વેલી કઈ રીતે પહોંચશો?
તીર્થન ઘાટી દિલ્હીથી 506 કિલોમીટર દૂર છે. અહીં સૌથી નજીક ભુંતર એરપોર્ટ છે જે ઘાટીથી 70 કિલોમીટર દૂર છે અને નજીકનું રેલવે સ્ટેશન ચંદીગઢ છે જે ઘાટીથી
260 કિલોમીટર દૂર છે.

ચેરાપૂંજી, મેઘાલય:
ચેરાપૂંજી ભારતના મેઘાલય રાજ્યના પૂર્વીય ખાસી પર્વતોના વિસ્તારમાં આવેલું નગર છે. પૃથ્વી પર આવેલ આ ચેરાપૂંજીએ સ્વર્ગની અનુભૂતી અપાવે છે. અહીં ગરમીની સીઝનમાં પણ ખુબ જ ઠંડી રહે છે. ત્યાં 15 ડિગ્રી થી લઈને 23 ડિગ્રી તાપમાન સામાન્ય રીતે રહે છે. તમે અહીં ધોધ, સોહારા બજાર, મ્યુઝિયમ, નોહકાલીકાઈ વોટરફોલનું આનંદ માણી શકો છો. ચેરાપૂંજીમાં કેટલીક એવા જગ્યા પણ છે જ્યાં તમને ડબલ ડેકર રૂટ બ્રિજ પણ જોવા મળશે. સાથે જ ત્યાંના ગામોની સ્વચ્છતા જોઈને તમારું મન ખીલી ઉઠશે.

ચેરાપૂંજી કેવી રીતે પહોંચવું?
વિમાન દ્વારા જવા ઉત્તરમાં આશરે 170 કિમી દૂર ગુવાહાટીમાં બોરઝર એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે અને ત્યાંથી તમે ટેક્સી અથવા બસ દ્વારા ચેરાપુંજી પહોંચી શકો છો. ટ્રેન દ્વારા જવા સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ગુવાહાટી લગભગ 145 કિમી દૂર છે. બસો અને ટેક્સીઓ ગુવાહાટીથી ચેરાપુંજીને જોડે છે અને રોડ દ્વારા મુલાકાતીઓ કોઈપણ મુશ્કેલી વિના સ્થળ પર પહોંચી શકે તે માટે અવારનવાર ઘણી સરકારી બસો ઉપલબ્ધ છે.

કુન્નર, તમીલનાડુ:
કુન્નૂર એક એવું હિલ સ્ટેશન છે જે અહીં આવતા પ્રવાસીઓના મન પર પોતાની છાપ છોડી જાય છે. દરિયાની સપાટીથી 1850 મીટરની ઉંચાઈ પર સ્થિત, તમે આ નાના એકલવાયા નગરના વાતાવરણના પ્રેમમાં પડી જશો. તમીલનાડુનું આ પર્વતીય વિસ્તાર ચાયના બગીચા માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં 20 ડિગ્રી થી લઈને 25 ડિગ્રી તાપમાન જોવા મળે છે. કુન્નુરની કોઈપણ સફર નીલગીરીના પર્વતીય રેલ માર્ગ પર સવારી કર્યા વિના અધૂરી છે. ટ્રેન મેટ્ટુપલયમથી શરૂ થાય છે અને કુન્નુર ટેકરીઓ પર ચઢે છે અને પછી ઉટી તરફ આગળ વધે છે. રસ્તામાં આવતા અદભૂત મનોહર દૃશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રવાસીઓએ સિમ્સ પાર્ક, ડોલ્ફિન્સ નોઝ, દુર્ગ ફોર્ટ, લેમ્બ્સ રોક, હિડન વેલી, કટારી ફોલ્સ અને સેન્ટ જ્યોર્જ ચર્ચ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકવું જોઈએ નહીં કારણ કે આ કુન્નુરના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો છે.

કુન્નુર કેવી રીતે પહોંચવું?
કુન્નુર પહોંચવું ખૂબ જ સરળ છે. કોઈમ્બતુરના ગાંધીપુરમ બસ સ્ટેન્ડથી બસ લો અને મેટ્ટુપલયમ પહોંચો અને ત્યાંથી તમે નીલગીરી હિલ ટ્રેન સેવા દ્વારા કુન્નુર પહોંચી શકો છો. તમારી પાસે ગાંધીપુરમથી ઉટી સુધીની સીધી બસ દ્વારા કુન્નુર ઉતરવાનો વિકલ્પ પણ છે.

તવાંગ, અરુણાચલ પ્રદેશ:
અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી ખૂબસુરત રાજ્યો પૈકીનું એક છે. તવાંગ તેના સુંદર મઠ અને ચિત્ર, દ્રશ્યો માટે જાણીતું છે. જો તમે પ્રકૃતિમાં ખોવાઈ જવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે યોગ્ય છે. ઉનાળામાં અહીંનું તાપમાન 5 ડિગ્રીથી 21 ડિગ્રી ડિગ્રીની વચ્ચે રહે છે. તમે ભારતના એવા સ્થળોએ રહો છો જ્યાં અત્યારે ખતરનાક રીતે ગરમી પડી રહી છે, તો તવાંગ તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે.

તવાંગ કઈ રીતે પહોંચશો?
તવાંગ ગુવાહાટીથી 500 કિમી દૂર આવેલું છે. ગુવાહાટીથી જતા લોકો તેજપુરથી કાર દ્વારા જઈ શકે છે. આ સિવાય ટુરિસ્ટ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે સલોનીબારી એરપોર્ટ ઉતરી શકો છો. તવાંગ ફેસ્ટ માટેનું સૌથી નજીક એરપોર્ટ તેજપુર એરપોર્ટ છે. તેજપુર ઉતરીને કાર દ્વારા ફેસ્ટિવલમાં પહોંચી શકાય છે.

કસોલ:
કસોલએ હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં વસેલું એક નાનકડું ગામ છે. ટ્રેકિંગ કરવા માટે આ જગ્યા કોઈ જન્નતથી ઓછી નથી. અહિં તમે ગુરુદ્વારા, પાર્વતી નદી અને તોશ ગામમાં ફરી શકો છો. કસોલમાં તાપમાન 18 ડિગ્રીથી 25 ડિગ્રી ડિગ્રીની વચ્ચે રહે છે. અહિં વિદેશથી પણ શહેલાણીઓ ફરવા માટે આવે છે. કસોલમાં ખીરગંગા ટ્રેક ખુબ જ પ્રખ્યાત છે.

કસોલ કેવી રીતે પહોંચવું?
કસોલએ તમામ પ્રકારના પરિવહન દ્વારા સારી રીતે જોડાયેલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ કોઈપણ અહીં સરળતાથી પહોંચી શકે છે. કસોલ જવા માટે દિલ્હીના વિવિધ સ્થળોએથી બસો ચાલે છે. તમે દિલ્હીથી કુલ્લુ એરપોર્ટ સુધી ફ્લાઇટ લઈ શકો છો, ત્યાંથી તમે કસોલ માટે ખાનગી ટેક્સી બુક કરી શકો છો અથવા બસથી જઈ શકો છો.

ઔલી:
ઔલી ઉત્તરાખંડના હિમાલયના પર્વતોમાં ચમોલી જિલ્લામાં આવેલું છે. જે ભારતના સૌથી વધુ ઠંડક ધરાવતા પ્રદેશોમાનું એક છે. ગરમીની સીઝનમાં પણ અહિં તાપમાન ઠંડુ જોવા મળે છે. ઔલીમાં તમને હરિયાળા પ્રદેશની સાથે બરફથી ઢંકાયેલા પહાડો પણ જોવા મળેશે. અહીં તમને ત્રિશુલ શિખર, નંદા દેવીનું શિખર જોવા મળશે. નંદા દેવી એ વિશ્વનું 23મું સૌથી ઊંચું શિખર છે અને 7,816 મીટરની ઊંચાઈ સાથે ભારતનું બીજું સૌથી ઊંચું શિખર છે.

ઔલી કેવી રીતે પહોંચવું?
ઔલી દિલ્હીથી 515 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ તે સરળતાથી પહોંચી શકાય છે, તમે દિલ્હીથી ટેક્સી લઈ શકો છો, અથવા જો તમે બાઇક ચલાવવાના શોખીન હોવ તો તમે તમારી પોતાના બાઈક કે કાર દ્વારા પણ ઔલી જઈ શકો છો. જેથી તમે ઔલીના કુદરતી સૌંદર્યની મજા માણતા-માણતા પણ પહોંચી શકો છો.

મિરિક, પશ્ચિમ બંગાળ:
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં મિરિક આવેલું છે. અહિં તમે ટેરેસવાળા ચાના બગીચાઓનું સુંદર દૃશ્ય, સુગંધિત ગુચ્છાદાર નારંગીના બગીચા, તળાવના શાંત પાણી, ઊંચા ગાઢ વૃક્ષોમાંથી પસાર થતા પવનના ઝાપટાનું આનંદ તમે માણી શકો છો. મિરિકએ પશ્ચિમ બંગાળનું ખુબસુરત હિલ સ્ટેશન અને ટૂરિઝમ સ્થળ છે. અહિં તમે તમારા પરીવાર, મીત્રો અને પાર્ટનર સાથે જઈ શકો છો. ગરમીની સિઝનમાં અહિં 10 થી 20 ડિગ્રી તાપમાન જોવા મળે છે.

મિરિક કેવી રીતે પહોંચવું?
મિરિક દાર્જિલિંગ, ખાર્સિયાંગ, સિલીગુડી વગેરે શહેરો સાથે રોડ માર્ગે સારી રીતે જોડાયેલ છે. સિલીગુડી અથવા ન્યૂ જલપાઈગુડી પહોંચવા માટે દેશના વિવિધ ભાગોમાંથી રેલ અને બસની સેવાઓ ઉપલબ્ધ છે.

ગંગટોક:
ગંગટોક હિમાલયના પર્વતમાળાની શિવાલિક ટેકરીઓ ઉપર 1437 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જ્યાં કુદરતી સૌંદર્ય સાથે સંકળાયેલા ઘણા સ્થળો છે, જેમાંથી કેટલાક મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે જેમ કે, ત્સોમો તળાવ, બાન ઝાકરી, તાશી વ્યુ પોઈન્ટ વગેરે… સિક્કિમ રાજ્યમાં આવેલ ગંગટોક ગરમીની સીઝનમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ગંગટોકની પ્રાકૃતિક સુંદરતા એકદમ મનમોહક છે. આજે તે તેના આકર્ષક કુદરતી સૌંદર્ય અને ધાર્મિક મહત્વને કારણે ઉત્તરપૂર્વ ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા શહેરોમાનું એક છે. આ સાથે અહીંની સ્થાનિક ખાણીપીણીની વસ્તુઓ પણ તમારું દિલ જીતી લેશે. અહીં ઉનાળામાં પણ મહત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહે છે.

ગંગટોક કેવી રીતે પહોંચવું?
જો તમે હવાઇ માર્ગથી જવા માંગતા હોવ તો અહીંનું નજીકનુ એરપોર્ટ છે બાગડોગરા, જે ગંગટોકથી 124 કિમી છે. એરપોર્ટથી મુખ્ય શહેર સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર પણ મળશે. જે આરામથી 20 મિનિટમાં તમને પહોંચાડી દેશે. રેલ માર્ગની વાત કરીએ તો ગંગટોક પહોંચવા માટે ન્યૂ જલપાઇગુડી નજીકનું રેલ્વે સ્ટેશન છે. જે લગભગ 148 કિમી દુર આવેલું છે. તમે હવાઈ, રેલ અથવા માર્ગ દ્વારા ગંગટોક સુધી પહોંચી શકો છો.

Back to top button