નશાની હાલતમાં રસ્તે પકડાશો તો જેલમાં નહીં હોટેલમાં જવા મળશે, કુછ દિન તો ગુજારો…
- હિમાચલ પ્રદેશ સરકારે પ્રવાસીઓ માટે નિયમો હળવા કર્યા
- દારુ પીને ફરનારને હવે જેલ નહીં પરંતુ હોટેલમાં મોકલવામાં આવશે
- પ્રવાસીયોની સંખ્યા વધી, રોજના 16 હજાર જેટલા વાહનો આવી રહ્યા છે શિમલા
શિમલા, 26 ડિસેમ્બર: શિમલા કે મનાલી ફરવા જનાર માટે સારા સમાચાર આવ્યા છે. હિમાચલ પ્રદેશના કોઈ પણ ખુણે તમે ફરવા જો છો અને દારૂ પીને ફરતા જોવા મળો છો તો પોલીસ તમને પકડીને જેલમાં નહીં નાખશે પરંતુ તેમની હોટલોમાં લઈ જશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ જાહેરાત કરી છે. દિલ્હી, યુપી, હરિયાણામાંથી મોટી સંખ્યામાં લોકો હિમાચલ જાય છે અને ખૂબ જ દારૂનું સેવન કરે છે અને પછી રસ્તાઓ પર ફરતાં જોવા મળે છે. ત્યારે હવે આ દારુ પીને ફરનારને પોલીસ જેલમાં નહીં નાખે.
સરકારે નિયમો હળવા કર્યા
સીએમએ જાહેરાતમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 5 જાન્યુઆરી સુધી ઢાબા, રેસ્ટોરન્ટ અને દુકાનો રાત-દિવસ ખુલ્લી રાખી શકાશે. સરકારે નિયમો હળવા કર્યા છે કે જો પ્રવાસન વ્યવસાયીઓ ઈચ્છે તો રાત્રિના સમયે પણ પ્રવાસીઓને સેવાઓ આપી શકે છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ સોમવારે શિમલામાં વિન્ટર કાર્નિવલનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી. સીએમએ વધુમાં કહ્યું કે પ્રવાસીઓ મોજમસ્તી માટે આવે છે અને આવા સમયે તેમને જેલમાં લઈ જવા યોગ્ય નથી. હવે જો પ્રવાસી નશામાં હશે તો પોલીસ તેમને હોટલમાં લઈ જશે.
રોજના 16 હજાર જેટલા વાહનો શિમલા આવે છે
સીએમએ વધુમાં સ્પષ્ટતા કરી કે આ સિસ્ટમ માત્ર પ્રવાસીઓ માટે જ લાગુ છે, સ્થાનિક લોકોને આમાં કોઈ છૂટ મળશે નહીં. કુદરતી આફત વખતે રાજ્યના પ્રવાસનને ઘણું નુકસાન થયું હતું. તેની ભરપાઈ થશે એવી કોઈ અપેક્ષા નહોતી. છેલ્લા 2-3 દિવસમાં રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગઈકાલે કુલ્લુ મનાલીમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. એક અનુમાન મુજબ લગભગ દરરોજ 16 હજાર પ્રવાસી વાહનો શિમલા આવી રહ્યા છે.
આ પણ વાંચો: શા માટે કેનેડા વિશ્વભરના લોકોને સ્થાયી થવા માટે પ્રિય દેશ છે?