ઊંઝાથી વરિયાળી-જીરુ ખરીદતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
- વરિયાળી-જીરુના સેમ્પલ ફેલ થતા માલિકો સામે કેસ
- જિલ્લામાં ભેળશેળની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે
- ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ
ઊંઝામાં મિલાવટખોરો બેફામ બન્યા છે. જેમાં સાત ફેક્ટરીમાંથી લેવાયેલા વરિયાળી-જીરુના સેમ્પલ ફેલ થતા માલિકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આ પ્રકારની ભેળશેળની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે.
રિપોર્ટમાં નકલી જીરૂ અનસેફ હોવાનો ખુલાસો થયો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ફેક્ટરી પર દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં નકલી જીરૂ અનસેફ હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ત્રણ ફેક્ટરી સંચાલકો સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પાંચ ફેક્ટરી માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે જુદાજુદા ક્રિમિનલ કેસ દાખલ
ઊંઝા તાલુકાના સુણોક ગામે સુજીત પટેલની કેક્ટરીમાં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યાં ગોળની રસી સહિતની વસ્તુઓમાંથી નકલી જીરૂ બનાવતું હોવાનું સામે આવ્યું હતું અને બનાવટી જીરૂ, મીક્ષ પાવડર અને ગોળની રસીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેને લેબોરેટરીમાં ચકાસણી કરાયા બાદ તે અનસેફ જાહેર થયા છે. જેથી ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી માલીક સુજીત પટેલ સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે જુદાજુદા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો