મહારાષ્ટ્રના રાજકારણમાં મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે. રાજ્યની સત્તા સાથે પાર્ટીની કમાન મેળવવા બે ગ્રુપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જોકે એકનાથ શિંદેનું પલડું એટલું ભારે છે કે ઉદ્ધવ ઠાકરેની નીચેથી CM ખુરશીની સાથે સાથે તેમની પાર્ટી શિવસેનાની કમાન પણ તેમના હાથમાંથી જતી જોવા મળી રહી છે. વિધાનસભામાં શિવસેનાની સંખ્યા સતત ઘટી રહી છે. ગુરુવાર સુધી, એકનાથ શિંદેની છાવણીમાં શિવસેનાના 33 ધારાસભ્યો હતા, જે હવે વધીને 38 થઈ ગયા છે. 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહાર જનશક્તિ પાર્ટીના છે જેઓ ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે. હવે તમામની નજર ફ્લોર ટેસ્ટ પર છે.
જો ફ્લોર ટેસ્ટ થાય તો શું?
પહેલા ચાલો જાણીએ કે આ ફ્લોર ટેસ્ટ શું છે. આ ટેસ્ટમાં નક્કી કરવામાં આવે છે કે વર્તમાન પાર્ટી પાસે સરકાર બનાવવા માટે સંખ્યા છે કે નહીં. રાજ્યપાલ આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાની સત્તાથી વંચિત ન કરી શકાય. જો રાજ્યપાલને લાગે છે કે સરકારના ગૃહમાં સંખ્યા ઓછી છે, તો તેઓ ઇચ્છે તો ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે.
ફ્લોર ટેસ્ટ કોણ કરાવી શકે?
કાયદા અનુસાર, જો વિધાનસભાનું સત્ર ચાલુ હોય, તો વિધાનસભાના સ્પીકર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે, પરંતુ જો સત્ર ચાલુ ન હોય તો કલમ 163 અંતર્ગત રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. ધ્યાનમાં રાખો કે મહારાષ્ટ્રમાં માત્ર રાજ્યપાલ જ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે કેમકે ત્યાં હાલ વિધાનસભા સત્ર નથી ચાલી રહ્યું.
બહુમતી સાબિત કરવા માટે કેટલા સંખ્યબળની જરૂર છે?
મહારાષ્ટ્રની 288 ધારાસભ્યોવાળી વિધાનસભામાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વર્તમાન સરકારની વાત કરીએ તો મહાવિકાસ અઘાડી એટલે કે એમવીએ સરકારમાં શિવસેનાના 55, NCPના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. આ સિવાય MNS, સ્વાભિની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક-એક ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. તો ભાજપ 106 ધારાસભ્યો સાથે મુખ્ય વિરોધ પક્ષ છે.
ભાજપ અને એકનાથ શિંદે સાથે આવે તો
હવે વાત કરીએ એકનાથ શિંદે બળવાખોર થયા પછી જે સમીકરણ ઊભું થયું છે. એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં ચાલી રહી છે. કારણ કે શિંદેનો દાવો છે કે શિવસેનાના 38 ધારાસભ્યો તેમની સાથે છે, સાથે 9 અપક્ષ અને 2 પ્રહાર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જો ભાજપ સાથે આવે તો 106 ધારાસભ્યો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેથી આવી સ્થિતિમાં તેઓ સરળતાથી બહુમત સાબિત કરી શકે છે અને સરકાર બનાવી શકે છે.
કેટલા ધારાસભ્યો સરકાર સાથે અને કેટલા સરકાર વિરુદ્ધમાં
જો સરકાર સાથેના ધારાસભ્યોની વાત કરીએ તો સરકાર સાથે 114 ધારાસભ્યો છે, જેમાં NCPના 53, શિવસેનાના 17 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સામેલ છે. તો બીજી તરફ સરકાર વિરૂદ્ધના આંકડા વધુ જોવા મળી રહ્યા છે. સરકાર વિરુદ્ધ 164 ધારાસભ્યો છે, જેમાં ભાજપના 106, બળવાખોર શિંદેના 38 અને અન્ય 20 ધારાસભ્યો સરકાર વિરુદ્ધ દેખાઈ રહ્યા છે.
સંજય રાઉતને હજુ આશા
આ બધા વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે વિધાનસભામાં શિવસેનાની તાકાત ઘટી છે પરંતુ બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં MVAને સમર્થન આપશે. રાઉતે કહ્યું કે નંબર ગમે ત્યારે બદલાઈ શકે છે. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોની પાર્ટી પ્રત્યેની વફાદારી તેઓ મુંબઈ પરત ફર્યા બાદ જ ચકાસવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતા રાઉતે સ્વીકાર્યું હતું કે બળવાને કારણે વિધાનસભામાં પાર્ટીની સંખ્યા ઘટી છે. અને લોકશાહી સંખ્યાઓ પર ચાલે છે. પરંતુ નંબરો કોઈપણ સમયે બદલાઈ શકે છે. બળવાખોર ધારાસભ્યો પરત ફરશે ત્યારે બાળાસાહેબ ઠાકરે અને શિવસેના પ્રત્યેની તેમની વફાદારીની કસોટી થશે.