પાર્ટી કહેશે તો હું ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડી શકું છું : યુવરાજસિંહ જાડેજા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે મંગળવારે અમદાવાદ ખાતે પોતાને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જો પાર્ટી કહેશે તો તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી સામે પણ ચૂંટણી લડી શકે છે.
આપ દ્વારા શરૂ કરાયેલી ‘રોજગાર ગેરંટી યાત્રા’થી પાર્ટી સાથે 10 હજાર યુવાનો જોડાયા
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગત 25 ઓગસ્ટ, 2022ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવામાં આવી હતી. જે હિંમતનગર થી સાંતલપુર સુધી કુલ ચાર જિલ્લામાં 11 દિવસ સુધી ચાલી હતી. આ 11 દિવસમાં અમે લગભગ 50 જેટલી સભા કરી છે જેમાં એક દિવસમાં 2000 જેટલા યુવાનો જોડાયા હતા. એટલે કે 11 દિવસમાં લગભગ 10,000 થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આ 11 દિવસના અનુભવમાં અમને વચ્ચે વચ્ચે સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તેનો પણ અમે સામનો કર્યો, જે જગ્યાએ સભા હોય તે જ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવતો તેનો પણ અમે સામનો કર્યો, છતાંય જે યુવાનો છે તેમની વેદના અને વ્યથા અમે સાંભળી છે.
બેરોજગાર યુવાનોની હૈયાવરાળ, પરીક્ષા લેવાય પણ નિમણૂંક નથી આપતી
યુવરાજે વધુમાં જણાવ્યું હતું કે, રોજગારીને લગતા જે મુખ્ય પ્રશ્ન છે જેના છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલ નથી આવ્યા. જેમ કે ઘણી બધી પરીક્ષાઓના ફોર્મ ભર્યા બાદ પણ નિમણૂક પત્ર નથી આવ્યા. બેરોજગાર યુવાનો દ્વારા અમારી પાસે માંગણી કરવામાં આવી છે કે, ત્રણ ત્રણ વખત સીપીટીની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ છે એમાં પણ નિમણૂક પત્ર હજી સુધી મળેલા નથી. એટલે અમે નિમણૂક પત્ર ની માંગણીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે વિદ્યાર્થીઓની વ્યથા ને લઈને જવાના છીએ. આમ જે સમસ્યાઓ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે.
સીપીટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય
ત્યારબાદ અમને જાણવા મળ્યું છે કે સીપીટી એજન્સી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હકદાર હતા, લાયક હતા તે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી નથી. તમામ વિદ્યાર્થીઓ સાથે અમ ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અને જ્યાં પણ તેમણે અમારી જરૂર પડશે ત્યાં અમે તેમણી ચોક્કસ મદદ કરીશું. અત્યાર સુધી અમે બોગસ અને ભ્રષ્ટાચાર થી બનેલી ડિગ્રીઓના આધાર પુરાવા આપ્યા હતા તે આધાર પુરાવા હોવા છતાંય કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. અને ગેરલાયક વ્યક્તિઓની પસંદગી પણ આ રીઝલ્ટ માં થઈ રહી છે. જે લોકો આ કૌભાંડના ભાગીદાર હતા તેમની પણ પસંદગી રિઝલ્ટમાં કરવામાં આવી છે. આના પરથી સાબિત થાય છે કે સરકાર જાણી જોઈને ફક્ત તેમના મળતીયાઓને રોજગાર આપી રહી છે.
પેપર ફૂટવાની ઘટનામાં કોઈ પગલાં લેવાયા નહીં
અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતીની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. ત્યારબાદ ઓડિટરનું જે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ જે મુખ્ય આરોપીઓ હતા, એવા 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારોના નામ અમે આપેલા છે. છતાં એ જ 22 જણના સિલેક્શન આ સરકાર કરવા જઈ રહી છે. આ દોગલી નીતિ છે જેમાં પોતાના મળતિયાઓને લેવા, પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું અને પોતાના કાર્યકર્તાઓને કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેને નોકરી આપવી, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.
ગુજરાતના એક એક ગામડાઓમાં જઈને ગેરંટી કાર્ડની નોંધણી કરતા કાર્યકરો
અંતે તેઓએ કહ્યું હતું કે, અમે લોકોએ એક સંકલ્પ લીધો હતો કે રોજગારી ગેરંટી યાત્રામાં બેરોજગારો માટે રોજગાર નોંધણી મેળાનું આયોજન કરવામાં આવશે અને અમે એ નોંધણી મેળો શરૂ કર્યો છે. આ મેળામાં રોજગાર ગેરંટી કાર્ડમાં અમે નોંધણી કરી રહ્યા છીએ, એમાં અમે 25,600 ઓફલાઈન નોંધણી કરી છે, અને ઓનલાઇનમાં 57,000 નોંધણીઓ થઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં જઈને ગેરંટી કાર્ડની નોંધણી કરી રહી છે. એનો મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં આ નોંધણીઓનો આંકડો વધી શકે એમ છે. આવનારા સમયમાં આ આંકડા મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.