અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ક્ષત્રિયોઓની ચીમકીઃ ભાજપ રૂપાલાને નહીં બદલે તો વિરોધમાં મતદાન થશે

અમદાવાદ, 28 માર્ચ 2024, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ શમ્યો નથી. આજે અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રૂપાલના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત રૂપાલા જ ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવામાં આવશે. બેઠકમાં ‘ભાજપ તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં’ના નારા પણ લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે બોપલ પોલીસ સ્ટેશન ખાતે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.

રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી
આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે. સમાજના 17 ટકા મતદારો છે. જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરમાં એક સૂર સાથે ક્ષત્રિય સમાજની સંકલન મિટિંગ યોજાઈ હતી. આ અંગે કલેક્ટરને આવેદન અપાયું હતું. જેમાં પાટણ, અમદાવાદ, વડોદરાથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું હતું.

રૂપાલાનું શું હતું વિવાદિત નિવેદન
પુરૂષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે,અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા,રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા. આ નિવેદન બાદ વિરોધ વધતાં પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, મેં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે, મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા નિવેદન થકી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માગું છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.

આ પણ વાંચોઃપુરુષોત્તમ રૂપાળાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા

Back to top button