અમદાવાદકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

જો વરસાદ ખેંચાશે તો જળસંકટના એંધાણ, સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 13.28% પાણી બચ્યું

અમદાવાદ, 14 જૂન 2024, ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.ચોમાસાની દસ્તક વચ્ચે હવામાન ખાતાએ શરૂઆતમાં જ ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયાની જાહેરાત કરીને આમ આદમીની ચિંતા વધારી દીધી છે.જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને નર્મદાના ભરોસો રહેવું પડી શકે છે. રાજ્યમાં 202 ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં હોવાની વિગતો સામે આવી છે. ખેડૂતોને પણ વાવણી માટે હજી રાહ જોવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી સર્જાઈ શકે
બીજી તરફ રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ ત્રણેય ઝોનને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડી શકે છે. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી જળાશયોમાં પાણી સુકાઈ ગયાં છે. જેના કારણે પીવાના અને સિંચાઈ માટેના પાણી માટે મોટી તકલીફોનો સામનો કરવો પડે એમ છે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 207 ડેમમાં 39.92 ટકા પાણી બચ્યું છે
આજની તારીખે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.91 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 32.60 ટકા, કચ્છના 20 ડેમમાં 23.36 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 13.28 ટકા અને સરદાર સરોવરમાં 56.35 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલ માત્ર 39.92 ટકા પાણી છે. રાજ્યમાં હાલમાં એક જ ડેમ એવો છે જેમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. 202 ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઉકળાટ અને બફારાના કારણે સૌરાષ્ટ્રના જળાશયો ઝડપભેર ખાલી થઇ રહ્યા છે.

20 જૂન સુધી કયા-કયા જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે 15 જૂનના રોજ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 16 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 18 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 19 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 20 જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચોઃગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Back to top button