પીએમ મોદી લોકસભા ચૂંટણી મારી સામે લડે તો હારી જાય: શશિ થરૂર
- શશિ થરુર પ્રથમ વખત 2009માં લોકસભા ચૂંટણી લડ્યા
- 2009થી સતત તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર હેટ્રિક જીત મેળવી
- 2024 લોકસભા ચૂંટણી શશિ થરુરની છેલ્લી લડાઈ
તિરુવનંતપુરમ, 26 ડિસેમ્બર: કોંગ્રેસના નેતા શશિ થરૂરે મંગળવારે કહ્યું કે તેઓ 2024માં ચોથી વખત તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે, જે તેમની છેલ્લી ચૂંટણી હોઈ શકે છે અને તેઓ કોઈપણ સંજોગોમાં જીતશે, ભલે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સામે ઊભા રહે. થરૂરે એક ટીવી ચેનલ પર તેમની ભાવિ યોજનાઓ પર ચર્ચામાં ભાગ લેતા આ વાત કહી. તેમણે કહ્યું કે, ‘હું ફરીથી અહીંથી ચૂંટણી લડવા તૈયાર છું, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટી લેશે અને જો મને કહેવામાં આવશે તો હું ચૂંટણી લડીશ’. થરૂરે કહ્યું, ‘લોકસભા માટે આ મારી છેલ્લી લડાઈ હશે’.
મેં જ્યારે પહેલીવાર ચૂંટણી લડી ત્યારે મારી ઈચ્છા વિદેશ મંત્રી બનવાની હતી: શશિ થરુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે તેવી અટકળો અંગેના પ્રશ્નના જવાબમાં થરૂરે કહ્યું કે, ‘મોદી મારી સામે લડશે તો પણ હું જીતીશ.’ તેમણે કહ્યું, ‘હું મારા રેકોર્ડના આધારે ચૂંટણી લડી રહ્યો છું અને જો લોકો એવું વિચારે છે તો તેમને મને બદલવાનો પૂરો અધિકાર છે, પરંતુ તે હું કોની સાથે લડી રહ્યો છું તેના પર આધારિત નથી. જ્યારે મેં પહેલીવાર ચૂંટણી લડી હતી ત્યારે મારી ઈચ્છા વિદેશ મંત્રી બનવાની હતી, જે થઈ શકી નહીં, હવે જનતાએ નક્કી કરવાનું છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કેરળ વિધાનસભા માટે ચૂંટણી લડવામાં રસ ધરાવે છે, તો તેમણે કહ્યું, ‘અત્યારે મારું ધ્યાન લોકસભાની ચૂંટણી પર છે અને તે સમયના સંજોગોના આધારે હું તેના પર વિચાર કરીશ’.
થરૂરે જીતની હેટ્રિક પૂરી કરી
તિરુવનંતપુરમ લોકસભા બેઠકના સાંસદ શશિ થરુર સતત ત્રણ વખત એક જ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે. તેમને કોંગ્રેસે પાર્ટીએ પ્રથમ વખત 2009ની લોકસભા ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ત્યારથી તેમણે અત્યાર સધી હેટ્રિક પૂરી કરી છે. લોકસભાના સભ્ય તરીકે થરૂરની કાર્યશૈલી સામાન્ય કોંગ્રેસી સાંસદો કરતા સાવ અલગ હતી. 2019ની ચૂંટણીમાં, તેઓ 99,989 મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે 2014માં 15,470નું માર્જિન હતું અને 2009માં તેમની પ્રથમ ચૂંટણીમાં 99,998 મતોનું માર્જિન હતું.
આ પણ વાંચો: ફારુક અબ્દુલ્લાને કાશ્મીર અને પેલેસ્ટિન વચ્ચે તફાવત લાગતો નથી!