બીજુ કંઈ ના મળ્યું તો ટ્રાફિક સિગ્નલની 51 બેટરીઓ ચોરી, પોલીસે બે ચોરને ઝડપી પાડ્યા
સુરત, 15 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ચોરીનો જુદો જ કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ્સ ઉપરથી બેટરી ચોરી કરતાં પોલીસે ચોર તથા તે ખરીદનાર દિવ્યાંગ સહિત બેની ધરપકડ કરી ચોરાયેલી 82,500ની કિંમતની 51 બેટરી કબજે કરી હતી.આ બન્ને ચોર ચોરી કરાયેલી આ બેટરી તેઓ રાત્રે શાકભાજીનો ધંધો કરતાં ફેરિયાઓને સસ્તામાં વેચી દેવાના હતા.
60 કરોડના ખર્ચે નવા સિગ્નલ્સ ઉભા કરવામાં આવ્યા
સુરત શહેરમાં 60 કરોડના ખર્ચે નવા સિગ્નલ્સ ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં સંખ્યાબંધ સિગ્નલ્સ ઉભા થઈ જતાં વાહનચાલકો વારંવાર પરેશાન થઈ રહ્યાની બૂમ ઉઠી રહી છે.ગત 2 ઓગસ્ટે સિનિયર કન્સલ્ટન્ટ રોહિત ઠાકરે કતારગામ કાંસાનગર જંક્શન ઉપર મેઇન્ટેનન્સની કામગીરી ચેક કરવા પહોંચ્યા હતા. ત્યારે વીજળી જાય તે સંજોગોમાં બેકઅપ તરીકે મૂકવામાં આવેલી 12 વોલ્ટની ત્રણ બેટરી ચોરી થઈ ગઈ હતી.કતારગામ નગીનાવાડી જંક્શનથી પણ ત્રણ બેટરી ચોરી થઈ હતી.
પોલીસે ચોરાઇ ગયેલી 51 બેટરી કબજે કરી
છેલ્લાં દોઢ મહિનામાં વરાછા વિસ્તારમાંથી 18, પૂણા વિસ્તારમાંથી 15, મહીધરપુરા અને ઉત્રાણ વિસ્તારમાંથી પણ 6-6 બેટરીઓ ચોરી થઈ ગઈ હતી. જેની કતારગામ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ ચોરીમાં સામેલ અને હીરાબાગ ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર રહેતાં અજય ભરત મકવાણાને ઝડપી લીધો હતો. તેણે જેને બેટરીઓ વેચી હતી તે હીરાનગર પરવતગામનાં કાટપીટીયા પ્રવિણ પરષોત્તમ સુરેલાને પણ ઝડપી લઇ ચોરાઇ ગયેલી 51 બેટરી કબજે કરી હતી. આ બેટરી તેઓ રાત્રે શાકભાજીનો ધંધો કરતાં ફેરિયાને વેચી રોકડી કરવાની ફિરાકમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.