અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દવાથી નહીં તો ભૂવાથી: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ભૂવાએ કરી વિધિ, જુઓ વીડિયો

  • સિવિલ હોસ્પિટલના ભૂવાએ ICUમાં પ્રવેશી કરી દર્દીની વિધિ
  • ભુવા વિધિ કરી આવ્યો એ વાતથી સિવિલ સત્તાધીશો છે અજાણ

અમદાવાદ, 18 ડિસેમ્બર, ડૉકટરની દવાથી નહીં, ભૂવાની ભભૂતિથી દર્દી સ્વસ્થ થયાનો ભૂવાએ દાવો કર્યો હતો. આ મામલો અમદાવાદનો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દી પર ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે હોસ્પિટલની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવા દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભૂવો બિનધાસ્ત ICU સુધી પહોંચી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સિવિલના ICUમાં ભૂવાની સારવારના વીડિયો અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અજાણ છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વીડિયો મુદ્દે સિવિલ સત્તાધીશોનું ભેદી મૌન રાખ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી ત્યાં ભૂવાએ પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની અંદર ફોટો વીડિયો લેવા પર મનાઈ કરવામાં આવે છે. તેમ છતાં આ ભૂવાએ ગેટથી લઈને આઇસીયુ તરફ જતા રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી છે. એટલું જ નહીં, આઇસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને પણ ભૂવાએ રીલ બનાવી છે, જેથી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે. ICU રૂમની બહાર સિક્યોરિટી હોય છે અને દર્દીને વધુ ઈન્ફેક્શન ન લાગે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ છતાં આ ઘટના બની છે.

અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયોની ચર્ચા ખૂબ ચાલી રહી છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાઇરલ વીડિયો અંગે સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું  કે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા ભૂવો દર્દીના સગા સંબંધી બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલુમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને ભૂવો દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જીંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે.આ ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ કરવામાં આવશે. તપાસ કરતાં આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલૂમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે, એનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તારણ છે.

વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે, પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઈ રહ્યો છે એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજું થયું છે એ કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે અને એનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યોરિટી દ્વારા પણ રાખવામાં આવે છે, પરંતુ હવે દર્દીના સગા બનીને એ કોટ સુધી આ વ્યક્તિ પહોંચી ગયો છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો…ગુજરાતનું ગૌરવઃ બનાસકાંઠા જિલ્લાનું મસાલી બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ

Back to top button