પન્નુ કેસમાં નિખિલ ગુપ્તાની યોગ્ય તપાસ નહીં થાય તો સંબંધો.. : ભારતીય-અમેરિકન સાંસદો
- આતંકવાદી પન્નુની હત્યાના કથિત કાવતરાએ અમેરિકામાં જોર પકડયું
- નિખિલ ગુપ્તા પર અમેરિકન ધરતી પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
- ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ સંયુક્ત રીતે નિવેદન જાહેર કર્યું
નવી દિલ્હી, 16 ડિસેમ્બર : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાનો મામલો અમેરિકામાં જોર પકડી રહ્યો છે. બાઇડન વહીવટીતંત્રના અધિકારીઓએ શુક્રવારે 5 ભારતીય-અમેરિકન સાંસદોને નિખિલ ગુપ્તાના મહાભિયોગ અંગે માહિતી આપી હતી. હકીકતમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકન ધરતી પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, જે આરોપો મૂકવામાં આવ્યા તે અત્યંત ચિંતાજનક છે. તેઓ નિખિલ ગુપ્તાને ન્યાય વિભાગ દ્વારા દોષિત ઠેરવવા પર નિર્ણાયક માહિતી પ્રદાન કરનાર બાઇડન વહીવટની પ્રશંસા કરે છે. અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોની બંને દેશો પર સકારાત્મક અસર પડે છે. જો આ મામલાની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો બંને દેશોના સંબંધો પર અસર પડી શકે છે.
ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ શું કહ્યું ?
ભારતીય-અમેરિકન સાંસદો અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, નિખિલ ગુપ્તાના આરોપ અંગે વહીવટીતંત્રને વર્ગીકૃત માહિતી પ્રદાન કરવા બદલ અમે ન્યાય વિભાગની પ્રશંસા કરીએ છીએ. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારી અમેરિકન નાગરિકની હત્યાના કાવતરામાં સામેલ હતો. ભારતીય-અમેરિકન સાંસદો તરીકે, આપણા પોતાના લોકોની સલામતી અને સુખાકારી એ અમારી સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે.
મામલાની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો બંને દેશોના સંબંધો પર થશે અસર : સાંસદો
વધુમાં કહ્યું કે, જે આરોપો મુકવામાં આવ્યા તે અત્યંત ચિંતાજનક છે. અમે હત્યાના કાવતરાની તપાસ કરવાની ભારત સરકારની જાહેરાતને આવકારીએ છીએ અને ભારત આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરે અને ભારતીય અધિકારીઓ સહિત જવાબદાર લોકોને જવાબદાર ઠેરવે તે આવશ્યક છે. ફરીથી આવું નહીં થાય તેની ખાતરી પણ આપે. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે અમેરિકા-ભારત વચ્ચેના સંબંધોની બંને દેશો પર સકારાત્મક અસર પડે છે. પરંતુ અમને ચિંતા છે કે જો આ મામલાની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો બંને દેશોના સંબંધો પર અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 29 નવેમ્બરે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકન ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કથિત કાવતરું રચવાનો આરોપ લાગ્યો હતો. અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીમાં રહેતા શીખ અલગતાવાદી પન્નુને મારવા માટે એક હત્યારાને 100,000 US ડોલર આપવા સંમત થયો હતો. પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ નિખિલ ગુપ્તાની 30 જૂનના રોજ ચેક રિપબ્લિકમાં USના આદેશ પર ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ભારતે પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરા સાથે સંબંધિત આરોપોની તપાસ કરવા માટે પહેલેથી જ એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરી છે.
આ પણ જુઓ :રશિયન પ્રમુખ પુતિને નેશનલ ટેલિવિઝન પર જનતાની માફી માંગી!, જાણો શા માટે ?