ચંદ્ર પર રાત પડશે તો ચંદ્રયાન-3નું શું થશે?, ઈસરોના ચીફે કહ્યું…
- 5-6 તારીખ સુધીમાં ચંદ્ર પર અંધકાર છવાઈ જશે, ત્યારપછી લેન્ડર અને રોવર આગામી 14-15 દિવસ અંધકારમાં જ રહેશે.
ચંદ્રયાન-3 અપડેટ: ચંદ્ર પર ચંદ્રયાન-3એ લેન્ડિંગ કર્યું ત્યારથી જ ચંદ્ર પરની માહિતી પહોંચાડી રહ્યું છે. ત્યારે હવે ચંદ્ર પર એક-બે દિવસમાં રાત પડી જવાની છે, જેને લઈને ઈસરોના ચીફે ખુલાસો કર્યો છે કે ચંદ્ર પર રાત પડતાની સાથે જ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને એક-બે દિવસમાં ISRO તેમને અહીંથી જ ઊંઘાડી દેશે. આ ખુલાસો ઈસરોના ચીફ એસ. સોમનાથે આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બાદ કર્યો છે. તેમણે કહ્યું કે બંનેને ઊંઘાડવામાં આવી રહ્યા છે જેથી 14-15 દિવસ પછી જ્યારે સૂર્ય ચંદ્ર પર ફરીથી ઉગે છે ત્યારે બંને ફરી સક્રિય રીતે કામ કરી શકે.
આ પણ વાંચો: આદિત્ય એલ-1 સેટેલાઇટ કઈ ધાતુથી બનેલો છે, સૂર્યની તીવ્ર ગરમી પણ તેના પર અસર નહીં કરે
5-6 તારીખ સુધીમાં ચંદ્ર પર અંધકાર છવાઈ જશે, સૂર્ય અસ્ત થઈ જશે. ત્યારપછી લેન્ડર અને રોવર આગામી 14-15 દિવસ અંધકારમાં જ રહેશે. તેનો અર્થ એ કે ચંદ્ર પર રાત્રિ શરૂ થવાની તૈયારીમાં છે. ઈસરોનું આયોજન હતું કે ચંદ્રના જે ભાગમાં લેન્ડર-રોવર ઉતરશે, ત્યાં આગામી 14-15 દિવસ સુધી સૂર્યપ્રકાશ પડતો રહેશે. તેનો અર્થ એ કે હજી દિવસ છે. જે આગામી ચાર-પાંચ દિવસ સુધી જ ચાલશે. તે પછી અંધારું થવા લાગશે અને લેન્ડર-રોવર પર સૂર્યપ્રકાશ નહીં પડે. જેથી ચંદ્ર પર રાત્રી થાય એ પહેલાંજ ચંદ્રયાનની બેટરીને અગાઉથી સંપૂર્ણપણે ચાર્જ કરીને બંધ કરીને સુવડાવી દેવામાં આવવાના છે, જેથી જરૂર પડ્યે તેઓને તેને પછીથી ફરી ચાલુ કરી શકે.
ચંદ્રપર અંધારું થશે તો શું થશે?
લેન્ડર અને રોવરમાં સોલર પેનલ લગાવવામાં આવી છે. તેઓ સૂર્યમાંથી ઊર્જા લઈને ચાર્જ થાય છે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી તેમની બેટરી ચાર્જ થતી રહેશે. તેઓ કામ કરતા રહેશે. અંધારું થઈ જાય પછી પણ રોવર અને લેન્ડર થોડા દિવસો કે અમુક કલાકો સુધી કામ કરી શકે છે. જે તેમની બેટરીના ચાર્જિંગ પર આધાર રાખે છે. પરંતુ તે પછી તેઓ આગામી 14-15 દિવસ પછી સૂર્ય ઉગવાની રાહ જોશે. સૂર્યોદય પછી તેઓ ફરીથી કામ ચાલુ કરશે.
આ પણ વાંચો: આદિત્ય એલ-1 મિશન લોન્ચ, જાણો શા માટે વિદેશી એજન્સીની મદદ લેવી પડી