અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારત વર્લ્ડ કપ જીતશે તો ખેલાડીઓ અને કોચને પુરસ્કારમાં પ્લોટ અપાશે, રાજકોટના અગ્રણીની જાહેરાત

  • તમામ ખેલાડી અને કોચને 10 લાખની કિંમતના પ્લોટ આપવામાં આવશે
  • 2003માં સહારા ગ્રુપના વડા સુબ્રત રોયે આવી જાહેરાત કરી હતી
  • આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે

રાજકોટ: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ યોજાવાની છે. તે પહેલા ભારતીય ટીમ માટે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમ વિજેતા બને તો તમામ 15 ખેલાડી અને કોચને 10 લાખની કિંમતના 251 વારના ઈન્ડસ્ટ્રિયલ પ્લોટની ભેટ આપવામાં આવશે. આ જાહેરાત રાજકોટ તાલુકાના સરપંચ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને ગઢકા ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ તેમજ જિલ્લા ભાજપ અગ્રણી કેયૂર ઢોલરિયા દ્વારા કરવામાં આવી છે.

આવી જાહેરાત 2003માં સુબ્રત રોયે કરી હતી. તેમણે મુંબઈ – પુણે હાઈવે પર એમ્બે વેલી પ્રોજેક્ટમાં ભારતીય ટીમને પ્લોટ આપવાની જાહેરાત કરી હતી. તે મેચ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી. પરંતુ ભારતે એ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગે કેયુર ઢોલરિયાએ જણાવ્યુ હતું કે, હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમિફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હંફાવી છે. 19 નવેમ્બરના અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ફાઇનલમાં ટકરાવાની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. એટલુ જ નહી ભારતીય ટીમનો જુસ્સો વધારવા માટે ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મેચમાં હાજર રહેવાના છે. ત્યારે મને પણ ભારતીય ટીમને યાદગાર પુરસ્કાર આપવા માટેનો વિચાર આવ્યો હતો, જે અંતર્ગત ફાઇનલ મેચમાં ભારતીય ટીમ વિજેતા બનશે જ એવા વિશ્વાસની સાથે વિશ્વવિજેતા ભારતીય ટીમના 15 અને કોચ સહિત 16 સભ્યને રાજકોટ ઈન્ડસ્ટ્રિયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રિયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથે શિવમ જેમિન ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડની મંજૂરી સહિતની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ભારતીય ટીમને આ ભેટ આપવામાં આવશે.

આખો દેશ આવતીકાલે ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે સતત 9 વખત જીત હાંસલ કરી છે. સમગ્ર દેશ ભારતીય ટીમને વિશ્વવિજેતા બનેલી જોવા માટે આતુર છે. વર્લ્ડકપના માધ્યમથી દેશવાસીઓમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બની છે. ત્યારે આખી ટીમ સહિત કોચ માટે જુદા-જુદા પ્લોટનો પુરસ્કાર આપવાની આ જાહેરાત થતાં ક્રિકેટરસિકોમાં અનેરો રોમાંચ અનુભવાઈ રહ્યો છે.

આ પણ વાંચો, તમિલનાડુ: રાજ્યપાલ દ્વારા પરત કરાયેલા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર

Back to top button