સુરતમાં જો આજે અપક્ષો માની જશે તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થશે
સુરત, 22 એપ્રિલ 2024, રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. આજે કોંગ્રેસ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાની સાથે તેમની બેદરકારી છતી થઇ છે. ભાજપના મુકેશ દલાલ સામે અપક્ષ સહિત કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે. રવિવારે ભાજપ તરફથી ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી અને વકીલો હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીની સાથે બે વકીલો જમીર શેખ અને બાબુ માંગુકિયા હાજર રહ્યા હતા. આ બંને પક્ષોએ રજૂઆત કર્યા બાદ સુરત જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ કોંગ્રેસના નિલેશ કુંભાણીના ત્રણેય ઉમેદવારી પત્રો રદ કરવાનો હુકમ કર્યો હતો.
સુરત બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને કારણે હવે ભાજપના મુકેશ દલાલ સામે અપક્ષ સહિત કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે.ભાજપ સામેના અન્ય ઉમેદવારોને પણ મનાવવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ અન્ય પક્ષોના ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી લે છે તો સુરતના ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવી શકે છે. સુરત બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણી વખતે છ ઉમેદવારના ફોર્મ રદ થયા છે. હવે ચૂંટણીના મેદાનમાં ભાજપ સહિત આઠ ઉમેદવારો છે. આ આઠમાંથી આજે બપોરે 3.30 વાગ્યા સુધીમાં કયા કયા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે તેના પરથી ખબર પડશે કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થાય છે કે નહીં.
5 ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થાય તો નવાઈ નહીં. કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે, જેમાં 5 માની માની ગયાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.રવિવારે મોડી રાત સુધી આ 8 ઉમેદવારો સોમવારે ફોર્મ પાછા ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી 5 ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોનું કહેવું છે. જે ત્રણ ઉમેદવારો માની રહ્યા નથી તેમને પણ યેનકેન પ્રકારે બેસાડી દેવા મથામણ ચાલી રહી છે. જો આઠેય ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી લે તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃસાબરકાંઠામાં ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ